મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાના મત વિસ્તાર ચકલાસી બાદ હવે પૂર્વ મંત્રી અને મહેમહેવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના મત વિસ્તારની ભાજપ શાસિત મહેમહેવાદપાલિકાના રાજકારણમાં મોટો ભડકો થયો છે. પાલિકાના કુલ 28માંથી ભાજપના 18 સભ્યો પૈકી 10 સભ્યોએ પ્રમુખ પ્રશાંત પટેલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. સભ્યોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પ્રમુખ પાલિકાનો વહીવટ લોકશાહી ઢબે કરતાં નથી. નગરમાં કોઇ વિકાસના કામો વ્યવસ્થિત થતાં નથી. હાલ નગર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. સ્થાનિક નેતાઓના ઇશારે થતાં કામોને લઇને અનેક સમસ્યાઓનો સામનો નગરજનો કરી રહ્યા છે. મહેમહેવાદ પાલિકામાં 28 કાઉન્સિલરો પૈકી 18 ભાજપના છે અને 10 અપક્ષ કાઉન્સિલરો છે. પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતિ હોવાથી દાઢેક વર્ષ પૂર્વ ભાજપના તમામ સભ્યોની સર્વ સમંતિથી પાલિકા પ્રમુખ તરીકે પ્રશાંતભાઇ પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. પાલિકામાં આયોજન પ્રમાણે થતાં વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણમાં તમામ સભ્યો હાજર રહીને સમર્થન પણ આપતાં હતા. છેલ્લા પાંચ-છ મહિનાથી નગરમાં વિકાસના કામોને લઇને પાલિકા પ્રમુખ અને કાઉન્સિલરો વચ્ચે આંતરિક ખટપટ ચાલી રહી હતી. પાલિકા પ્રમુખ સત્તાનો જોરે કાઉન્સિલરોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેવામાં આવતાં હતા.જેને લઇને કાઉન્સિલરોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. પાલિકાના વહીવટી કાર્ય બાબતે સ્થાનિક નેતાઓ અને જિલ્લા ભાજપના હોદ્દાદારોનું ધ્યાન દોરવા છતાં પ્રમુખ તેની મનમાની નિર્ણયો લેવામાં આવતા હતા તેવા પણ આક્ષેપો ઉઠયા છે. પાલિકાના કામો , ઠરાવો અને નીતી વિષયક નિર્ણયોમાં સમનતા અને નિષ્પક્ષતા પણ જળવાતી ન હતી. અમુક નિર્ણયો કાયદાની સ્પષ્ટ સત્તા કે જોગવાઇ વિના લેવાતા હોય તથા સભ્યો અને નાગરિકોના કાયદેસરના અધિકારો પર અસર થાય તેવા ભેદભાવપૂર્ણ ઠરાવો કરવામાં આવી રહ્યા છે. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવા છતાં પ્રમુખ તેમની વહીવટી કાર્યપદ્ધતિ માં કોઇ જ સુધારો થયો ન હતો.જેથી ત્રાસી અને કંટાળીને કાઉન્સિલર પ્રેરક જોશી , રાકેશ સોઢા, હિનલ વ્યાસ , વર્ષા વાઘેલા , પાર્વતિ વાઘેલા , માલાબેન પટેલિયા , મુકેશ ખલાસી , સુશીલ ગુરૂ પ્રસાદ , નિલેશ વાઘેલા અને રણછોડભાઇ મળીને પ્રમુખ પ્રશાંત પટેલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત માટે લેખિત રજૂઆત ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને કરી હતી. આ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાની સાથે નગરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો