ખેડૂતોને 10 કલાક વીજળી પૂરી પાડવા તેમજ રી-સર્વે દરમિયાન ઊભા થયેલા પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 5 ,નવેમ્બરના રોજ યોજાયેલી બેઠકમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘ જિલ્લાના પ્રમુખ, મંત્રીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ખેડૂતોને 10 કલાક વીજળી પૂરી પાડવાની માંગણીને સરકાર દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આગામી રવિ સિઝનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સિંચાઈ માટે સતત ત્રણ મહિના સુધી દરરોજ 10 કલાક વીજળી પૂરી પાડવાની માંગણી અંગે સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરી હતી. આ ઉપરાંત રી-સર્વે દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને જમીન સંબંધિત પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને સ્થાનિક કક્ષાએ જ ન્યાય મળી રહે તે હેતુથી ખાસ પરિપત્ર બહાર પાડવાની ખાતરી આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવ્યા મુજબ, ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખો, મંત્રીઓ અને જિલ્લા અધિકારીઓ સાથે સંકલન કરીને દર મહિને સમીક્ષા બેઠકો યોજવામાં આવશે. આ બેઠકોમાં સ્થાનિક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. જો કોઈ પ્રશ્નો જિલ્લા કક્ષાએ ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ 2017 થી પેન્ડિંગ રહેલા જમીન રી-સર્વે સંબંધિત અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સરકાર દ્વારા ટૂંક સમયમાં નીતિવિષયક નિર્ણય લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપીને વીજળી, જમીન રી-સર્વે અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીથી ખેડૂતોમાં આશા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો