ભાજપ શાસિત નડિયાદ મહાપાલિકામાં તા. 25 સપ્ટેમ્બરે યોજાયેલી મનપાની સામાન્ય સભામાં વિવિધ 12 સમિતિઓની રચના કરીને સમિતિ સભ્યોના નામોની યાદી જાહેર કરી હતી. હાલ ચાલી રહેલા શ્રદ્ધા પક્ષમાં આજે ગુરૂવારે વિવિધ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માત્ર એક સત્તાવાર અને બંધારણીય ઔપચારિકતા જ બની રહેશે. જોકે ભાજપ સંગઠન દ્વારા નક્કી કરાયેલી સમિતિઓની યાદીમાં પ્રથમ ક્રમે દર્શાવેલા નામ ચેરમેન તરીકે અને દ્વિતિય ક્રમે દર્શાવેલ નામ વાઇસ ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટાઇ આવશે તે બાબત નક્કી છે. રાજકીય ગણિત અને પક્ષના આદેશને શીરો માન્ય રાખીને પ્રથમ ક્રમના દાવેદારોએ પોતપોતાની સમિતિઓનો ચાર્જ સંભાળવા અને કામગીરી શરૂ કરવાની તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. નડિયાદ મહાપાલિકામાં તા. 25 સપ્ટેમ્બરે યોજાયેલી સામાન્ય સભામાં મેયર મનીષ પટેલે ભાજપ સંગઠન દ્વારા નક્કી કરેલ નામોની યાદી મુજબ મનપાની વિવિધ 12 સમિતિઓની રચના કરીને સમિતિ દીઠ પાંચ પાંચ સભ્યોના નામો જાહેર કરવામા આવ્યા હતા. જેમાં રીક્રીએશન કલ્ચર અને હેરીટેજ , રેવન્યુ અને મટિરિયલ પરસેસ કમિટી , હાઉસીંગ બોર્ડ, ટાઉનપ્લાનિંગ, ફાયર અને લાઇટ , વરસાદી પાણી અને કાંસ ગરનાળા કમિટી , સેનેટરી સોલીડ વેસ્ટ અને ટ્રાન્સપોર્ટ , રોડ અને બિલ્ડીંગ , હોસ્પિટલ અને આરોગ્ય કમિટી, વોટર અને વોટર હાવેસ્ટીંગ , ડ્રેનેજ કમિટી, સામાજિક ન્યાય અને મહિલા બાળ વિકાસ કમિટીમનો સમાવેશ થાય છે. ઉપરોકત સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી તા. 1 ઓકટોબર ગુરૂવારના રોજ મનપામાં યોજાશે. મહાપાલિકાના વહીવટને વેગ આપવા અને શહેરના વિકાસ કાર્યોને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવવા માટે આ વિવિધ સમિતિઓની રચના અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપ સંગઠન દ્વારા જ્ઞાતિગત સમીકરણ , વિસ્તારનું પ્રતિનિધિત્વ અને રાજકીય અનુભવના આધારે યાદી રહેલું પ્રથમ નામ ચેરમેન પદે અને બીજુ નામ વાઇસ ચેરમેન પદે બિરાજશે. સવારે 11 કલાકે યોજાનાર સમિતિઓની બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી બંધારણીય ઔપચારિકતા જ બની રહેશે . આ બેઠકમાં માત્ર જે તે સમિતિના સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેનપદ માટે માત્ર મતદાન હાથ ઊંચો કરવાની વિધિ હાથ ધરવામાં આવશે. વિરોધ પક્ષ કે અન્ય કોઇ બળવાની શકયતાઓ નહી હોવાથી પરિણામ અગાઉ થી સ્પષ્ટ છે. તેમજ ચૂંટણી પૂર્વે ચેરમેન પદ માટે નક્કી થયેલા કાઉન્સિલરોએ પોતાની સમિતિના સભ્યો સાથે પ્રાથમિક બેઠકો યોજી લીધી છે. હવે સમિતિઓના ચેરમેનની વરણી થયા બાદ નગરમાં વિકાસના કામોમાં કેટલી ઝડપ આવે છે અને શહેરના પડતર પ્રશ્નોનો ઉકેલ માટે શું પ્રાથમિકતા નક્કી કરે છે તેના પર સૌ નગરજનોની નજર છે.
