મહુધાના કપરુપુરમાં ત્રણેક દિવસ અગાઉ એક પરિણીતાએ લગ્નના દોઢ જ વર્ષના ટૂંકાગાળામાં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જો કે મહુધા પોલીસે શકના આધારે પતિ અને જેઠને રાઉન્ડઅપ કરી કડક પુછતાછ કરતાં બંને ભાંગી ગયા હતા અને ચારેયે ભેગા મળી પરિણીતાની હત્યા કરી પુરાવાનો નાશ કર્યાની કબુલાત કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના બનાવને આપઘાતમાં ખપાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દઈ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. બાલાસિનોરના પરપરીયા ગામની 28 વર્ષીય પરિણીતા અરુણાબેનના લગ્ન દોઢેક વર્ષ અગાઉ મહુધા તાલુકાના કપરુપુરમાં રહેતા મિતુલ રમેશભાઈ સોઢા સાથે થયા હતા. ગત તા.17મી ઓકટોબર 2026ના રોજ સવારના સુમારે સાસરીયાએ પિયરમાં ફોન કરી અરુણાએ આપઘાત કરી લીધો હોવાની જાણ કરી હતી. જેથી પિયરપક્ષ સાસરીમાં દોડી જતા તમામ સાસરીયા ફરાર હતા, જ્યારે પરિણીતાનો મૃતદેહ ઘરમાં પડેલ હતો. જેથી આ મામલે પિયર પક્ષે સાસરીયા વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે આ મામલે પોલીસ તપાસ અને ડૉકટર રિપોર્ટમાં પરિણીતાનું મોત આપઘાત નહીં પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે પતિ મિતુલ સોઢા તથા જેઠ વિપુલ સોઢાને તા.18 ઓકટોબર 2026ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે ઝડપી પાડયા હતા. બંનેની કડક પુછતાછ કરતાં બંનેએ ગુનાની કબુલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમામે ભેગા મળી પરિણીતાને ઝેરી દવા પીવડાવી મારી નાંખી હતી. બાદમાં પરિણીતાનો મૃતદેહ બારીએ લટકાવી દીધો હતો. દરવાજો અંદરથી બંધ કરી પાછલા બારણેથી તમામ લોકો બહાર નીકળી ગયા હતા. આ મામલે મહુધા પી.આઈ. પી.એ.જાદવે જણાવ્યું હતું કે પતિ અવારનવાર તેની પત્ની પર શક વહેમ રાખી ત્રાસ ગુજારતો હતો. પરિણીતાને પણ પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો વહેમ હોઈ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બનાવના દિવસે પણ પરિણીતા ગર્ભવતી હોવાથી તેણે પતિને સારવાર કરાવવાનું કહ્યું હતું. જે બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને પતિ તથા સાસરીયાએ ભેગા મળી પરિણીતાની હત્યા કરી નાંખી, બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પતિ અને જેઠને ઝડપી પાડયા છે, જ્યારે સાસુ અને જેઠાણીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો