પતિ, પત્નિ ઔર વો...નો એક બનાવ ગળતેશ્વર પંથકમાં સામે આવ્યો હતો. જ્યાં બે સંતાનો ધરાવતો પરિણીત પુરુષ એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં પડયો હતો. અને બાદમાં પ્રેમીકાને બીજી પત્નિનો દરજ્જો આપવા માટે ઘરમાં ઝઘડા, કકળાટ અને મારઝુડ શરુ કરી હતી. પરિવારજનોએ ના પાડતા દવા પીને મરી જવાની ધમકી આપતા આખરે પત્નિએ અભયમની મદદથી મામલો થાળે પાડયો હતો. ગળતેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનથી બે સંતાનો પણ છે. થોડાક સમય અગાઉ પતિ એક સમુહલગ્નમાં ગયા હતા ત્યાં એક પરિણીત સ્ત્રી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ શરુ થયો હતો. જે બાદ પતિ પરિણીત પ્રેમીકાને ઘરમાં લાવી, બીજી પત્નિનો દરજ્જો આપવા માટે જીદે ચઢયા હતા. પ્રેમીકાના કારણે અવારનવાર ઘરમાં ઝઘડા કરી, પરિણીતાને મારઝુડ કરતા હતા. દરમિયાન પરિણીત પ્રેમીકા પતિનું ઘર છોડીને પરિણીતાના ઘરમાં આવી ગઈ હતી. જેથી પતિએ પ્રેમીકાને બીજી પત્નિ તરીકે ઘરમાં રાખવા માટે પત્નિને દબાણ કર્યું હતું. પત્નિએ ધરાર ના પાડી દેતા પતિએ દવા પીને જીવન ટૂંકાવી દેવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને પરિણીતાએ મહિલા હેલ્પલાઈન અભયમ 181ને કોલ કર્યો હતો. 112ની ગાડી પણ સ્થળ પર આવી પહોંચતા 112ની ટીમ ત્રણેયને સેવાલિયા પોલીસ મથકે લઈ આવી હતી. દરમિયાન નડિયાદ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેમણે પરિણીત પ્રેમીકા અને પતિને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. બંનેને સંતાનોની જવાબદારીની સમજ આપી હતી. અભયમની કડક ટકોરથી પતિના મગજમાં સવાર પ્રેમનું ભૂત ઉતર્યું હતું. તેણે લેખિતમાં પ્રેમીકા સાથે સંબંધ નહીં રાખે અને પત્નિને સારી રીતે રાખશે તેવી બાંયધરી આપતા મામલો થાળે પડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો