નડિયાદમાં બે આગના બનાવોને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ એક ઘરમાં શોર્ટ સરકીટના કારણે આગ ભભુકી ઉઠી હતી. જ્યારે પીપલગ રોડ પર આવેલ એક પાર્ટી પ્લોટમાં કાચની દિવાલોના કારણે દિવાલો પાછળ રહેલ પુઠાએ આગ પકડી લેતા આગ લાગી હતી. ફાયરબ્રિગેડે બંને સ્થળે જઈ કામગીરી હાથ ધરી આગને કાબુમાં લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નડિયાદમાં ગઈકાલે ગુરુવારની રાત્રે અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ એક બેકરી પાસેના ઘરમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને થતાં ટીમે સ્થળ પર પહોંચી ફાયરબ્રિગેડે જણાવ્યું હતું કે લગભગ અડધા કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ શોર્ટ સરકીટથી લાગી હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ઘર માલિક સમયસર ઘરની બહાર નીકળી જતા કોઈ જાનહાનિનો બનાવ બન્યો ન હતો. પણ ઘરમાં રહેલ ગોદડા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આગનો બીજો બનાવ શહેરના પીપલગ ચોકડી પાસે આવેલ રીયા પાર્ટી પ્લોટમાં બન્યો હતો. આજે શુક્રવારે બપોરના સુમારે પાર્ટી પ્લોટના હોલમાં પડી રહેલ જથ્થાબંધ પુઠામાં આગ ભભૂકી ઉઠી હતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે બે ફાયરફાઈટરો સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. હોલની દિવાલો કાચની હોવાના કારણે આગ પકડી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે.