નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નડિયાદ શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ વેપારી મથકો અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરી શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ડેરી પ્રોડક્ટ્સના નામે વેચાતા એનાલોગ પનીર અને એનાલોગ ચીઝના વેચાણ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ટીમે કુલ 9 વેપારી મથકો અને રેસ્ટોરન્ટ્સની તપાસ કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 5 ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.તપાસ દરમિયાન અસ્વાસ્થ્યપ્રદ અને વાસી ખાદ્યસામગ્રી પણ મળી આવી હતી. જેમાં 2 પેકેટ હોટડોગ, 2 પેકેટ પાવ, 3 પેકેટ કુલચા, 3 કિલો ગ્રેવી તેમજ 2 કિલો ખાદ્યકચરાનો સમાવેશ થાય છે. અંદાજે રૂ. 2,100ની કિંમતનોજથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.તંત્રએ વેપારીઓને ખાદ્યસુરક્ષા નિયમોનું ચુસ્ત પાલન કરવા ચેતવણી આપી છે અને ભવિષ્યમાં પણ આવી સઘન તપાસ ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે.
