ખેડા જિલ્લાના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ નાસ્તા, ભોજન સહિત ખાણીપીણીના દુકાનમાં ખાદ્ય સામ્રગી અને સ્વચ્છતા જાળવવા બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ફૂડ વિભાગની વિવિધ ટીમો દ્વારા યાત્રાધામ ડાકોર, મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિરના ફૂડ કોર્ટ તેમજ કપડવંજના ઉત્કંઠેશ્વરમાં ખાણીપીણીની 33 દુકાનો ઉપર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરોકત ધાર્મિક સ્થળોએ ફૂડ વિભાગે 30 કિલો ઉપરાંત અખાદ્ય જથ્થો સ્થળ ઉપર નાશ કરાયો હતો. માગશર પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ બુધવારે ધાર્મિક સ્થળોએ ફૂડ વિભાગે દરોડા પાડીને 34 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 9 નમૂનાઓને વધુ ચકાસણી અર્થે સરકારી લેબમાં મોકલી આપ્યા છે. ફૂડ વિભાગના આ સપાટાને લઇને જિલ્લાના ખાણીપીણી, મીઠાઇ સહિત ખાદ્યચીજ વસ્તુઓના વિક્રેતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


ખેડા જિલ્લાના ધાર્મિક સ્થળોએ વાર તહેવાર અને પૂર્ણિમાના દિવસે મોટીસંખ્યામાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ આવે છે. આ ધાર્મિક સ્થળોએ આવેલી નાસ્તા, ભોજન સહિત ખાણીપીણીની દુકાનો, ફૂડ કોર્ટમાં ખાદ્ય ચીજવસ્તુઓ ગુણવત્તા સાથે સ્વચ્છતા જાળવવા માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમ તથા જિલ્લા ફૂડ વિભાગની ટીમો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ધાર્મિક સ્થળોએ આવતાં દર્શનાર્થીઓને, યાત્રાળુઓની આરોગ્યલક્ષી બાબતોની ધ્યાને રાખીને તંત્ર દ્વારા ખાણીપીણીની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગના અધિકારીઓ તેમજ નગરપાલિકા ટીમને સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડાકોરમાં મંદિરની આસપાસ તેમજ ગોમતી ઘાટ પાસેના ભોજનાલય, નાસ્તા , મીઠાઇ, ફરસાણ સહિત ખાદ્યચીજ વસ્તુઓના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગે દરોડો પાડયો હતો. ડાકોરમાં મંદિર આસપાસની 14 દુકાનોની તપાસ હાથ ધરી 9 નમૂના લેવામાં આવ્યા હતા. જયારે આ દુકાનોમાં અખાદ્યનો 25 કિલો ઉપરાંત જથ્થો સ્થળ ઉપર નાશ કરાયો હતો. પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા બાબતે નોટિસ પણ આપી છે. જયારે મહેમદાવાદના વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિના મંદિરની આસપાસ ફૂડ કોર્ટ , ખાણીપીણીની દુકાનોની ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નાસ્તા સહિત ખાણીપીણી વસ્તુઓના નમૂના લેવામા આવ્યા હતા. સિદ્ધિવિનાયક મંદિર કેમ્પસમાં 17 જેટલી ખાણીપીણી દુકાનો અને ફૂડ કોર્ટમાં તપાસ હાથ ધરી હતી. અખાદ્ય ચટણી, નાસ્તો સહિત અખાદ્ય પાંચ કિલો જથ્થો સ્થળ ઉપર નાશ કર્યો હતો. તેમજ કપડવંજના ઉત્કંઠેશ્વર ખાતે ચ્હા,નાસ્તાની બે દુકાનોમાં દરોડો પડાયો હતો. આ દુકાનોમાં તેલ સહિત અન્ય ખાદ્ય વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: