પાલડીના કુખ્યાત બુટલેગર જાફરનો વિદેશી દારુ ખેડા એલસીબીએ ઝડપી પાડયો છે. બે ઈસમો રાજસ્થાનથી આઈશર ગાડીમા દારુ ભરીને આઈશરને સ્વીફ્ટ ગાડીથી પાઈલોટીંગ કરી જાફરના ફાર્મહાઉસ સુધી લઈ આવ્યા હતા. જ્યાં દારુનુ કટીંગ ચાલતુ જ હતું કે તે સમયે એલસીબીએ દરોડા પાડી દારુ સહિત બે ઈસમોને ઝડપી પાડયા હતા. નડિયાદ તાલુકાના પાલડીના કુખ્યાત બુટલેગર જયેશ અરવિંદ ઉર્ફે જાફર સોઢાએ બહારના રાજયમાંથી આઈશર ગાડી ભરીને દારુ મંગાવ્યો હોઈ અને દારુ નવાપુરા રામસિંહની મુવાડી ખાતે આવેલ જાફરના ફાર્મહાઉસ પર કટીંગ થતો હોઈ તેવી બાતમી ખેડા નડિયાદ એલસીબી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે દરોડા પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે બે ઈસમો પ્રવિણ રણછોડ લોહાર (રહે.અદકાલીયા, ઉદેપુર, રાજસ્થાન) અને ભગવાન ઉર્ફે જોગી ભારતભાઈ ડાભી (રહે.શિત્તલપુરા, મહુધા)ને ઝડપી પાડયા હતા. આઈશર ગાડીમાં પ્લાયવુડના બોક્ષમાં વિદેશી દારુનો જથ્થો ભરેલ હતો. ફાર્મમાં આવેલ એક મકાનમાં પણ વિદેશી દારુનો જથ્થો ઠલવાયેલો હતો. પોલીસે કુલ 13.55 લાખનો વિદેશી દારુનો જથ્થો કબજે લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો