ખેડામાં એક ફ્રુટના વેપારીના ખિસ્સામાંથી બે ઠગોએ 45 હજાર રોકડ ચોરી લીધા છે. પેસેન્જર વેશમાં બેઠેલ ઠગે વેપારીને ચાલુ રીક્ષાએ વાતોમાં ભેળવી, થૂંકવાના બહાને ખિસ્સા પર બે ત્રણ વાર હાથ મુકી રુપિયા કાઢી લીધા હતા. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ખેડા ટ્રેઝરી ઓફીસ પાસે રહેતા કાંતિભાઈ માનાભાઈ મકવાણા સરદાર માર્કેટમાં ફ્રુટનો વેપાર કરે છે. ગત તા.2 ઓગષ્ટ 2026ના રોજ ખિસ્સામાં 45 હજાર રુપિયા લઈને નડિયાદ ચૂકવણી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. ખેડા મહેમદાવાદ રોડ પર વાહનની રાહ જોઈને ઉભા હતા દરમિયાન એક રીક્ષાચાલક અને પાછળની સીટ પર બેઠેલ એક પેસેન્જરે ક્યાં જવું છે કહેતા નડિયાદ જવું છે કહીને રીક્ષામાં બેઠો હતો. ચાલુ રીક્ષાએ બંનેએ વાતો શરુ કરી હતી. પેસેન્જરે કાકા, થોડા દબાઈ જાવને થૂંકવુ છે કહી બે ત્રણ વાર થૂંકવાના બહાને ખિસ્સાના ભાગે પગ પર હાથ મૂકી ટેકો લીધો હતો. બાદમાં ખેડા સિવિલ ચોકડી આવતા રીક્ષામાંથી ઉતારી દઈ, અમદાવાદ જવું છે કહી રીક્ષા લઈ સિવિલ બાજુ જતા રહ્યા હતા. વેપારીએ ખિસ્સામાં તપાસ કરતાં 45 હજાર રુપિયા ચોરાઈ ગયા હતા. ઘણી શોધખોળ કરી છતાં રીક્ષા મળી ન આવતાં આ મામલે કાંતિભાઈએ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો