ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં યોજાતા ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રસંગોની સોશિયલ મીડિયાથી માહિતી મેળવી, સ્થળ પર પહોંચી ટાર્ગેટ વ્યક્તિને આસપાસથી ઘેરી લઈ ધક્કામુક્કીમાં ખિસ્સામાંથી રોકડ રકમ ખંખેરી લેતી ખિસ્સા કાતરુ ગેંગ કઠલાલ પોલીસને હાથે ઝડપાઈ જવા પામી છે. કઠલાલ કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીમાં જાહેર પ્રસંગ દરમિયાન ગત તા. 6 જુલાઈ 2026ના રોજ એક વ્યક્તિની નજર ચૂકવીને અજાણ્યા ચોર ઈસમો રુ. 18, 500 ચોરી ગયા હતા. આ બનાવ મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે જુદા જુદા લોકેશન પર 45થી વધુ સીસીટીવી કેમેરા ફંફોસ્યા હતા. દરમિયાન ગુનામાં સંડોવાયેલ ઈસમો એક રીક્ષામાં કઠલાલ પંથકમાં આવનાર હોવાની બાતમી આધારે કઠલાલ પોલીસે વોચ ગોઠવી પાંચ ઈસમો નરેશ ઉર્ફે રાહુલ ઉર્ફે બોબડો નાનશાજી ઠાકોર, નિર્મેશ ઉર્ફે નિમેશ રામાભાઈ ઉર્ફે રાજાભાઈ ભાટી, સુનિલ ઉર્ફે સન્ની ગોવિંદભાઈ બારોટ, કિશોર ઉર્ફે લાલો જગદિશભાઈ મકવાણા, અને સુરેશ હિરાલાલ ઠાકોર (તમામ રહે. નરોડા, અમદાવાદ)ને ઝડપી પાડયા હતા. રુ. 18,500ની રોકડ, રીક્ષા, ત્રણ મોબાઈલ મળી કુલ રુ. 3.08 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પુછતાછમાં પાંચેય કઠલાલ વાડીમાં થયેલ ચોરી કબુલી હતી. તપાસમાં સુનિલ ઉર્ફે સન્ની વિરુદ્ધ વાઘોડિયા, નરોડામાં ચોરી, લૂંટ, કિશોર ઉર્ફે લાલો વિરુદ્ધ એમ ટ્રાફિક પોલીસ સ્ટેશન, શાહીબાગ, ઓઢવમાં ચોરીની ફરિયાદો નોંધાયેલી છે.
