ગુજરાત રાજ્યમાં સગીર તથા યુવાઓ અલગ અલગ પ્રકારના નશા જેવા કે ચરસ, ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું પાન પાર્લર, ચ્હાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનોમાં વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.
જેને લઈને ખેડા જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા આવા સ્થળોએ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન જિલ્લાના વડા મથક નડિયાદના હાર્દસમા વિસ્તારમાં આવેલ પાન પાર્લરની દુકાનમાંથી સ્મોકીંગ કોન અને પેપર્સ ઝડપાઈ જવા પામ્યા છે.
નડિયાદના સંતરામ રોડ પર આવેલ કાલિકા પાન હાઉસમાં નશા માટે વપરાતા પ્રતિબંધિત રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોનનું વેચાણ થતું હોવાની બાતમી ખેડા નડિયાદ એસઓજી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડયા હતા. જેમાં દુકાનમાં ચેકીંગ દરમિયાન બે લીલા કલરના બોક્સમાં પ્રતિબંધિત સ્ટેસ પ્રો રોલ કોન બ્રાઉનના સ્મોકીંગ કોન તથા સ્ટેસ પ્રો ઈમરજન્સી સપ્લાય સ્મોકીંગ પેપરની સ્ટ્રીપનો જથ્થો મળી આવ્યો હતો. દુકાનના સંચાલક અશ્વિન રમેશભાઈ જાદવાણી (રહે.1, વિહાર એપાર્ટમેન્ટ, વીકેવી રોડ, નડિયાદ)ની પોલીસે પુછતાછ કરી હતી. પ્રતિબંધિત વસ્તુઓનો રુ. 1925 રુ.નો જથ્થો કબજે લીધો હતો. અને ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગનો નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું એસ.ઓ.જી. પી.આઈ. ડી.એન.ચુડાસમાએ જણાવ્યું હતું. આજ પ્રકારે આખા જિલ્લામાં આવેલ પાન પાર્લર, કરીયાણાની દુકાનો, ચ્હાની દુકાનો પર પોલીસ સઘન હાથ ધરવામાં આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો