વડતાલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને રાજ્યના પોલીસ વડાએ સસ્પેન્ડ કરતાં ખેડા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લા પંચાયત સભ્યનો દારુ ગાંધીનગર એસએમસીએ ઝડપી પાડયો હતો. જે પ્રકરણમાં બેદરકારી બદલ ડીજીપીએ પગલાં લેવાયાની ચર્ચાઓ જિલ્લા પોલીસ વર્તુળોમાં ઉઠવા પામી છે.

ખેડા જિલ્લાના વડતાલ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલ ડાહ્યાભાઈને રાજ્યના પોલીસ વડાએ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. ગત જુન માસમાં નડિયાદના વલેટવા સીમ વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં પોલીસે દારુના જથ્થા સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે દારુ ખેડા જિલ્લા પંચાયતના સભ્ય અને આખડોલ ગામના માજી સરપંચ પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમારનો હતો. શાસક પક્ષના નેતાનું નામ દારુના કાળા કારોબારમાં ખુલતા સ્થાનિક રાજકારણમાં પણ ભારે ચર્ચાઓ ઉઠી હતી. અગાઉ પણ પ્રફુલ સ્વામીનો ઘણીવાર દારુનો જથ્થો ઝડપાયો હતો. પણ વલેટવા સીમ વિસ્તારમાં દારુનો જથ્થો ઠલવાયો હોવા છતાં બીટ જમાદારને તેની ગંધ ન આવી હોય તે મામલે સવાલો ઉઠતા ફરજમાં બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલને ઉચ્ચ કક્ષાએથી સસ્પેન્ડ કરાયો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.