નડિયાદ મહાપાલિકાના મેયર મનીષ પટેલના વોર્ડ નં 11ના ઇન્દીરા નગર વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઇ છે. આ વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર ચોમાસાના પ્રારંભ સાથે કાદવ અને કીચડ થઇ ગયો છે. આ રસ્તા પર અસહ્ય ગંદકીને લઇને નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઇ છે. સ્થાનિક રહીશોને કાદવ ખૂંદીને અવર જવર કરવી પડે છે. આ સમસ્યાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને ત્રાહીમામ પોકારી ગયા છે. મનપા તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા હલ કરવામાં આવે તેવી માગ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇન્દીરા નગર વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના ખાબોચિયા ભરાઇ રહેવાથી કાદવ કીચડનું સામ્રાજય પથરાઇ ગયું છે. આ રસ્તા પરથી પસાર થવું સ્થાનિક રહીશો માટે હવે એક સજા સમાન બની ગયું છે. આ રસ્તો આખો કાદવમાં ગરકાવ થઇ ગયો છે. વાહનચાલકો તો ઠીક , પરંતુ રાહદારીઓ માટે અહીં થી પગપાળા નીકળવું પણ અશકય બન્યું છે. આ કાદવને લઇને ટુવ્હીલર , રિક્ષા જેવા પણ ફસાઇ જવાની સમસ્યા રોજે રોજ સર્જાય છે. અત્રેના રહીશોના બાળકોને શાળાએ જતા આવતાં આ કાદવ ખૂંદીને અવર જવર કરવી પડે છે. જેના કારણે તેમના કપડા અને ચંપલ બગડે છે. કાદવ માંથી અવર જવર કરવાથી બાળકોને ચામડીના રોદ થવાની ભીતિ વાલીઓને સતાવી રહી છે.
