15 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ, એક હોટલમાં ગોંધી રાખી એકથી વધુ વાર દુષ્કર્મ ગુજારી, ધાકધમકી આપી, બિભત્સ અપશબ્દો બોલનાર હિંમતનગરના ઈસમને નડિયાદ સેશન્સ અદાલતે 20 વર્ષની સખત કેદની સજા અને 40 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.


સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ લાલપુરમાં રહેતો અજેમલસિંહ ઉર્ફે અનવરસિંહ મકવાણા (ઠાકોર) ગત તા. 27 એપ્રિલ 2023ના રોજ 15 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરાને ડાકોરથી કાંકરોલ ગામ પાસે હિંમતનગર - શામળાજી હાઈવે પર આવેલ એક હોટલમાં ગોંધી રાખી ત્રણથી ચાર વખત સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી બિભત્સ અપશબ્દો પણ બોલ્યા હતા. આ મામલે સગીરાના વાલી દ્વારા ઈસમ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈસમને ઝડપી પાડીને પુરાવા ભેગા કરી ચાર્જશીટ કરી હતી. આ કેસ નડિયાદની સેશન્સ અદાલતના પોકસો જજ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુરની દલીલો, 16થી વધુ સાહેદો, 43થી વધુ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે અજેમલસિંહ મકવાણાને પોકસો એકટની કલમ 3(એ),4 તથા 5(એલ) સાથે કલમ 6 મુજબ વીસ વર્ષની સખત કેદની સજા તથા 25 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજા, ઈપીકો કલમ 363, 366, 506(2)ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા, પાંચ પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા, તથા ભોગ બનનારને સરકારના ઠરાવ મુજબ એક લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો. અજેમલ મકવાણા(ઉં.વ.31)ને પ્રથમ પત્નિથી બે સંતાનો છે, તેમ છતાં તેણે બીજી યુવતીને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. સગીરા ડાકોર તેની માસીના ઘરે રહેતી હતી. તેની અન્ય એક માસીની હિંમતનગર-અમદાવાદ રોડ પર દુકાન હોઈ હિંમતનગરનો અજેમલસિંહ દુકાને આવતો જતો હોવાથી પરિચય થયો હતો. જે બાદ જ્યારે પણ ડાકોર આવતો ત્યારે સગીરાના ઘરે આવતો હતો. અને પોતાનાથી અડધી ઉંમરની સગીરાને ગાડીમાં બેસાડી હિંમતનગર તરફ લઈ જતો હતો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: