નડિયાદ પાલિકાના પૂર્વ કાઉન્સીલર ભાનુ ભરવાડ અને પુત્ર નવઘણ ભરવાડ વિરુદ્ધ તાજેતરમાં લેન્ડ ગ્રેબીંગની પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસમાં બંને પિતા પુત્ર દ્વારા ધરપકડથી બચવા આગોતરા અરજી નડિયાદ સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. પણ બંનેનો ગુનાહિત ઈતિહાસ, ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અદાલતે અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
નડિયાદના બિલોદરામાં આવેલ એક સોસાયટીના કોમન પ્લોટની જગ્યા પર ગેરકાયદે કબજો કરીને તેનો વ્યવસાયિક ઉપયોગ કરી, મુળ માલિકે 2009માં કરેલ ગિફટ ડીડ કાયદેસર ન હોવાનું દર્શાવી જમીન પચાવી પાડયાના આક્ષેપ સાથેની ફરિયાદ બિલોદરાના ભાનુ જોધાભાઈ ભરવાડ અને તેના પુત્ર નવઘણ ઉર્ફે રાજેશ ભરવાડ વિરુદ્ધ નડિયાદ રુરલ પોલીસ મથકે નોંધાવા પામી હતી. આ ગુનામાં ધરપકડથી બચવા માટે બંને પિતા - પુત્ર દ્વારા નડિયાદ સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકીલ ડી.આર.બારોટની દલીલો, ત.ક.અ.ના સોગંદનામા જેમાં બંને વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયેલ હોવાનું અને આવા ગુનાઓની ટેવવાળા, રીઢા ગુનેગારો, તપાસમાં સહકાર આપતા ન હોવાનું જણાવ્યું હતું. બંનેને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે ચેડાં થવાની સંભાવના હોઈ આગોતરા નામંજૂર કરવા દલીલ કરી હતી. અદાલતે બંને પક્ષોની દલીલો, ગુનાની ગંભીરતા, ત.ક.અ.નું સોગંદનામુ વગેરે બાબતોને ધ્યાને લઈ બંનેના આગોતરા નામંજૂર કરતો હુકમ કર્યો છે.
