કપડવંજ ફતિયાબાદ સ્યુસાઈડ પોઈન્ટ છે. છાશવારે ત્યાં આપઘાતના બનાવો બનવા હોય છે. છતાં પળોજણ એવી છે કે કપડવંજ ફાયરબ્રિગેડ પાસે તરવૈયાઓની ટીમ જ નથી. જેથી જેના પરિવારજન ડુબે તેને પૈસા ખર્ચીને પ્રાઈવેટ તરવૈયા મારફતે સ્વજનની શોધખોળ કરાવવી પડી છે. ગઈકાલે પણ એક પરિણીતા તેના બે સંતાનો સાથે કેનાલમાં પડી ગઈ હતી. પણ તરવૈયાની ટીમ ન હોવાથી શોધખોળ ન થઈ શકી ન હતી. માનવતા મરી પરવારી હોય તેવી કરુણાંતિકા કપડવંજ પંથકમાં બનવા પામી હતી. કપડવંજ નડિયાદ રોડ પર આવેલ ફતિયાબાદ કેનાલમાં ગઈકાલે તા.14 જુલાઈ 2026ના રોજ સાંજના પાંચેક વાગ્યે એક પરિણીતા તેના બે ભુલકાંઓ સાથે કેનાલમાં પડી ગઈ હતી. સ્થાનિકોએ એક થેલો અને ચંપલ કેનાલ નજીક પડેલાં જોતા તપાસ કરી હતી. થેલામાં રહેલ એક કાગળમાં લખેલ નંબર પર કોલ કરતાં એક મહિલાએ ફોન ઉપાડી થેલો તેની બહેન ભાવનાબેન ચૌહાણનો હોવાનું જણાવ્યું હતું. જેથી આતરસુંબા પોલીસે કેનાલમાં ભાવનાબેન તેમના બે સંતાનો 4 વર્ષની નિત્યા, 6 વર્ષના પિયુષ સાથે પડી ગઈ હોવાની આશંકા આધારે તપાસ હાથ ધરી હતી. પરિસ્થિતિ એ બની હતી કે પરિવારજનો બનાવને પગલે સ્થળ પર દોડી આવ્યા હતા. કપડવંજ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. પણ ફાયરબ્રિગેડે અમારી પાસે તરવૈયાઓની ટીમ નથી, બહારથી તરવૈયા મંગાવી આપીએ પણ તેનો અઢળક ચાર્જ માંગતા પરિવાર ભાંગી પડયો હતો. સ્થાનિક આસપાસના લોકોએ શોધખોળ કરી હતી પણ કંઈ હાથ લાગ્યું ન હતું. પ્રશ્ન એ છે કે એક માસમાં આશરે પાંચ સાત જેટલા લોકો કેનાલમાં ઝંપલાવતા હોય છે, કેટલીકવાર સ્થાનિકો તુરત દોડી જઈ બચાવી લેતા હોય છે. પણ છાશવારે બનતા બનાવ છતાં હજુ કપડવંજ પાલિકા પાસે તાલીમબદ્ધ તરવૈયાઓની ટીમ ન હોઈ પરિવારજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.
