નડિયાદના ટ્રાફિકથી ધમધમતા ઉત્તરસંડા રોડ ડી માર્ટ નજીક ગઈકાલે શનિવારની રાત્રે ટોળા દ્વારા ભાજપ કિશાન મોરચાના મહામંત્રી પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો. જોતજોતામાં વાયુવેગે બનાવના સીસીટીવી ફુટેજ શહેરમાં વાઈરલ થઈ જવા પામ્યા હતા. આ બનાવને પગલે નડિયાદ ટાઉન પોલીસ મથકે 11 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી, ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. ટોળાએ ચૂંટણીની જુની અદાવત રાખીને હુમલો કર્યાનું સામે આવ્યું હતું.   


નડિયાદના દાવલીયાપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પરમાર નડિયાદ શહેરમાં ભાજપ કિશાન મોરચાના મહામંત્રી તરીકેની સેવા આપે છે. ગઈકાલે તા.13 જુન 2026ના ઘર પાસે રહેતા મીત ચંદ્રકાન્ત રાઉલજીએ ડી માર્ટ નજીક આવ, તારુ કામ છે કહેતા પ્રકાશભાઈ એક્ટીવા લઈને ડી માર્ટ નજીક ગયા હતા. જ્યાં મીત, વિશાલ મહેન્દ્રભાઈ ચાવડા, ચિરાગ રસીકભાઈ ચાવડા, કેતુલ વિનુભાઈ ઠાકોર, ગોપાલ રસિકભાઈ ચાવડા (તમામ દાવલીયાપુરા), અજય મફતભાઈ ગોહેલ (રહે.ઉત્તરસંડા), ગોપાલ ઉર્ફે નીતીન પરમાર (રહે.નડિયાદ) તથા અન્ય ત્રણેક જણા ભેગા થઈ ગયા હતા. જ્યાં તમામ ઈસમો તથા મહેન્દ્ર છોટાભાઈ ચાવડા (રહે.દાવલીયાપુરા)એ તુ દાદા થઈ ગયો છું, ચૂંટણીમાં અમને હરાવવા બહુ ભાગ ભજવ્યો કહી ગડદાપાટુનો માર મારવા ફરી વળ્યા હતા. વિશાલે લાકડાના ડંડા તથા નિતીને પણ લાકડાના ડંડાથી માર મારી, પેટમાં ફેંટો મારી ઢોર માર માર્યો હતો. દરમિયાન પ્રકાશભાઈનો ભાઈ, પિતા તથા અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઝપાઝપી દરમિયાન પ્રકાશભાઈનો મોબાઈલ તથા 70 હજાર રુપિયા પડી ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે આ મામલે મારામારી કરનાર ઈસમોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: