ખેડા જિલ્લામાં રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વિવિધ સ્થળોએ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.
નડિયાદ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મહેસુલ વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા કલેકટર ઉપાધ્યાય અને જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશ તડવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, મહાનુભાવો અને નાગરિકોએ યોગ અભ્યાસ કરીને સમગ્ર જિલ્લાવાસીઓને સ્વાસ્થ્યપ્રદ જીવનનો સંદેશ પાઠવ્યો હતો. આ અવસરે મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મયોગીઓ, સામાજિક આધ્યાત્મિક સંગઠનોના પ્રબુદ્ધ નાગરિકો સહિત 2500થી વધુ લોકોએ ઉત્સાહભેર યોગ અભ્યાસ કરીને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે આજે આપણે સૌ એક એવા પવિત્ર અને ઉર્જાવાન ઉત્સવની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ, જે માત્ર આપણા શરીરની તંદુરસ્તી પૂરતો સીમિત નથી પરંતુ જીવન જીવવાના સમગ્ર પથદર્શન સાથે જોડાયેલો છે. આપણે પુનઃસ્મરણ કરીએ છીએ- યોગ માત્ર વ્યાયામ, માત્ર આસનનો સમૂહ, અથવા કોઈ એક દિવસનો પ્રતીકાત્મક કાર્યક્રમ નથી પરંતુ જીવનને યોગ્ય સંતુલિત અને સાર્થક રીતે જીવવાની એક દિવ્ય કળા છે.










