ભાજપ શાસિત નડિયાદ મહાપાલિકામાં શુક્રવારે ગણેશ વિસર્જનના દિવસે મનપાની યોજાયેલી સામાન્ય સભામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. નિર્ધારિત સમય કરતાં 25 મિનિટ મોડી શરૂ થયેલી બેઠકમાં મનપાની 12 વિવિધ કમિટીઓની રચનાને મંજૂરી આપવામા આવી હતી. બાદમાં માત્ર આઠ મિનીટમાં સભાને આટોપી લેવામાં આવી હતી. બીજી તરફ કાઉન્સિલરોમાં અસંતોષની જવાળાઓ ફાટી ન નીકળે તેમજ શાંતિ જળવાઇ રહે તે માટે સભામાં કમિટીઓના ચેરમેનો અને વાઇસ ચેરમેનો નામો તુરંત જાહેર કરવામા આવ્યા ન હતા. મનપામાં બે દિવસ પછી એટલે શ્રાદ્ધ પક્ષમાં કમિટીના ચેરમેનો અને વાઇસ ચેરમેનો નામો જાહેર કરવામાં આવશે . સભામાં શાસક પક્ષના કાઉન્સિલરો અને કોંગ્રેસના કાઉન્સિલરે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું.

નડિયાદ મહાપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાયા બાદ તા. 26મેના રોજ પ્રથમ મેયર , ડેપ્યુટી મેયર , કારોબારી ચેરમેન , પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી હતી. બાદ 122 દિવસ બાદ શુક્રવારે ગણેશ વિસર્જનના દિવસે મહાપાલિકા મેયર મનીષ પટેલના અધ્યક્ષ સાથે સામાન્ય સભા યોજાઇ હતી. મનપાના સભાખંડમાં નિર્ધારિત સમય 11.30 કરતાં સવારે 25 મિનિટ મોડી સભા યોજાઇ હતી. આ સભામાં વિવિધ 12 કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં કમિટીઓની રચના માટે વોર્ડ નં 13 ના કાઉન્સિલર ઇશીત પટેલે દરખાસ્ત કરી હતી. અન્ય કાઉન્સિરે ટેકો જાહેર કર્યો હતો. જેમાં રીક્રીએશન કલ્ચર અને હેરીટેજ , રેવન્યુ અને મટિરિયલ પરસેસ કમિટી , હાઉસીંગ બોર્ડ, ટાઉનપ્લાનિંગ, ફાયર અને લાઇટ , વરસાદી પાણી અને કાંસ ગરનાળા કમિટી , સેનેટરી સોલીડ વેસ્ટ અને ટ્રાન્સપોર્ટ , રોડ અને બિલ્ડીંગ , હોસ્પિટલ અને આરોગ્ય કમિટી, વોટર અને વોટર હાવેસ્ટીંગ , ડ્રેનેજ કમિટી, સામાજિક ન્યાય અને મહિલા બાળ વિકાસ કમિટીનો સમાવેશ થાયે છે. દરેક કમિટીમાં પાંચ -પાંચ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં સત્તાધારી પક્ષના 51 પૈકી 46 કાઉન્સીલરોનો સમાવેશ કરાયો છે. (જયારે અગાઉ પાંચ કાઉન્સિલરોને પહેલા હોદ્દા જેવા કે મેયર , ડેપ્યુટી મેયર , સહિતના આપી દેવાયા છે.) ઉપરોકત રચાયેલી કમિટીના ચેરમેનો અને વાઇસ ચેરમેનોના નામો બે દિવસ પછી મળનારી કમિટીની બેઠકમાં નામો જાહેર કરવામાં આવશે. આ સભામાં અન્ય એજન્ડા સહિત માત્ર આઠ મિનિટમાં સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. સભામાં કોગ્રેસના કાઉન્સિલર ગણેશ વિસર્જન પર્વને લઇને કોઇ બબાલ વગર સભામાં સહયોગ આપ્યો હતો. રાજકીય દ્રષ્ટીએ આ સભાનું સૌથી મોટુ પાસુ 12 કમિટીઓની રચનાનું રહ્યુ હતું. મનપાના વિકાસના કામોની નીતિ નક્કી કરતી આ કમિટીઓની રચના કરીને શાસકપક્ષે વહીવટી માળખુ મજબૂત કર્યું છે. આ સભામાં કમિશનર કિરણ ઝવેરી સહિત બાવન પૈકી 50 કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. જયારે બે કાઉન્સિલરોની રજા મંજૂર કરવામાં આવી હતી.