યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં વહીવટી તંત્રમાં વર્ષોથી જામી ગયેલી આળસ ખંખેરવા અને પ્રજાલક્ષી કામોને ગતિશીલ બનાવવા માટે નવા વર્ષના પ્રથમ દિવસે ગુરૂવારે ચીફ ઓફિસરે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.


છેલ્લા 10-20 વર્ષથી એક જ વિભાગ કે ટેબલ ઉપર ફરજ બજાવતાં 14 કર્મચારીઓની સાગમટે આંતરિક બદલી કરવામાં આવતાં પાલિકા કેમ્પસમાં સોપો પડી ગયો છે. એક જ જગ્યાએ વર્ષોથી ચીટકી રહેલા કર્મચારીઓના સ્થાન ફેરવી નાંખવાના આ નિર્ણયનો ઉદ્દેશ પાલિકાની કામગીરીમાં સુધારો લાવવા માટે કરવામાં આવ્યો છે. આ બદલીઓથી પાલિકામાં વર્ષો જૂના મૂળિયા ઉખડતાં કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડાકોર નગરપાલિકાના વહીવટી તંત્રમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી શિથિલતા દૂર કરવા માટે અને વિવિધ વિભાગોમાં છેલ્લા 10-20 વર્ષથી એકજ ટેબલ ઉપર અડિંગો જમાવીને બેઠેલા કર્મચારીઓના કારણે વહીવટમાં એક હથ્થુશાસન જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને લઇને ચીફ ઓફિસર સંજય પટેલ દ્વારા તા. 1 જાન્યુઆરીના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે અચાનક બદલીના આદેશો છુટતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હગતી.વર્ષોથી જૂના સેટિંગ ખોરવાઇ ગયા હતા. વહીવટી સુધારણાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણય અંતર્ગત ટેકસ વિભાગ ,સેનેટરી શાખા,જન્મ મરણ નોંધણી, બાંધકામ શાખા, હિસાબી શાખા સહિતના મહત્વના વિભાગોમાં ફરજ બજાવતાં 14 જેટલા કર્મચારીઓના ટેબલ બદલી નાંખવામાં આવ્યા હતા. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવવાના કારણે સ્થાપિત હિતો ઉભા થયા હોવાની અને અમુક ચોક્કસ કર્મચારીઓ દ્વારા અરજદારોના કામોમાં વિલંબ થતો હોવાથી ફરિયાદો ઉઠી હતી. આ પરિસ્થિતિને ડામવા માટે રોટેશન પદ્ધતિ અપનાવીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એક વિભાગનો અનુભવી કર્મચારી બીજા વિભાગમાં કામગીરી સંભાળશે. જેથી વહીવટમાં નવો અભિગમ આવશે અને પારદર્શિતા વધશે. ચીફ ઓફિસરના નવા આદેશ મુજબ બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાનો ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે.

પાલિકાના રાજકારણમાં ગરમાવો

આ કાર્યવાહીથી પાલિકાની આંતરિક જૂથબંધી તૂટશે અને કામગીરીને વધુ વેગવાન બનશે. ખાસ કરીને જે કર્મચારીઓ સામે કામગીરીમાં ઢીલ મૂકવાની કે મનમાની કરવાની બૂમો ઉઠતી હતી તેમના સ્થાન ફેરથી સામાન્ય નાગરિકો તેમજ અરજદારોને મોટી રાહત મળવાની શકયતા છે. હાલના તબક્કે આ ફેરફારથી પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ જયારે પાલિકા તંત્ર દ્વારા આ બદલીઓ કાયમીધોરણે છે કે હંગામી તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા કરાવી નથી.

વહીવટ ચોખ્ખો રહે તે માટે પગલું અનિવાર્ય : CO

ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે, સરકારી તંત્રમાં લાંબા સમય સુધી એકજ સીટ પર રહેવાથી કર્મચારીઓના ચોક્કસ લોકો સાથે સંબંધો કે નેટવર્ક બની જતા હોય છે. જે ગેરરીતિને પોષે છે. પાલિકામાં અમુક કર્મચારીઓની છેલ્લા 18 થી 20 વર્ષ બાદ બદલી કરવામાં આવી છે. રોટેશન પદ્ધતિથી વહીવટ ચોખ્ખો રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાલિકાના વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવા અને કામગીરી ઝડપી બનાવવા માટે આ ફેરફોર કરવામાં આવ્યો છે.

અરજદારોની હાલાકી ઘટશે :

સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં આવતાં અરજદારોને ઘણીવાર એકજ ટેબલ પર એકજ કર્મચારીઓના મિજાજ સહન કરવા પડતાં હતા. વર્ષોથી એકજ જગ્યાએ બેઠેલા કર્મચારીઓ ઘણીવાર કામ કરવામાં આળસ કરતાં હતા. તેમજ બિન જરૂરી વિલંબ કરતાં હતા. હવે નવા કર્મચારીઓ ચાર્જ સંભાળશે એટલે જૂની માનસિકતા બદલાશે અને પેન્ડિંગ પડેલા કામોનો ઝડપી નિકાલ આવશે તેવી આશા શહેરીજનો સેવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: