સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિરમાં ગુરૂપૂર્ણિમા પર્વ પ્રસંગે હરિભકતોનો મહેરામણ ઊમટી પડયો હતો. સવારે 5.15 કલાકે મંગળા આરતી સમયે સમગ્ર મંદિર ભકતોથી છલકાઇ ગયું હતું.આ પ્રસંગે સવારે 7 .15 લાકે વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ મંદિરમાં બિરાજમાન ગુરૂઓના ગુરૂ આરાધ્ય ઇષ્ટદેવ હરિકૃષ્ણમહારાજનું ગુરૂપૂજન કર્યું હતું.આચાર્ય મહારાજે પૂજા વિધી બાદ શ્રીહરિકૃષ્ણ મહારાજ પાસે સત્સંગમાં સુખ શાંતિ પ્રવર્તે અને સત્સંગનો વિકાસ થાય તેવા સત્સંગ સમાજ વતી આશીર્વાદ માગ્યા હતા. મંદિરમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ સહિત દેવોને વિશેષ સુવર્ણ વાઘા ધરાવવામાં આવ્યા હતા. વકતા નિલકંઠચરણદાસજી મહારાજે પોતાની આગવી શૈલીમાં ગુરૂ મહિમા કથાનું રસપાન કરાવ્યું હતું. સભામંડપમાં આચાર્ય મહારાજનું મંદિરના ચેરમેન સંત વલ્લભસ્વામી, કોઠારી સ્વામી સહિત સંતો, મંદિરના ટ્રસ્ટીઓ, યજમાન પરિવારે પૂજન કર્યું હતું. આચાર્ય મહારાજે ભકતોને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે વડતાલ , જુનાગઢ, ગઢડા સહિત સંપ્રદાયના મંદિરોના સંતો તથા દોઢ લાખ ઉપરાંત ભકતોએ દર્શનો લાભ ઇને ધન્યતા અનુભવી હતી.
