ખેડાના જિલ્લા મથક નડિયાદ શહેરના રેલવે સ્ટેશન પર શનિવારે સાંજના અરસામાં એક મુસાફરનું ગળુ દબાવીને ત્રણ કિલો સોનાના દાગીનાની લૂંટ કરીને ચાર ઇસમો ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. મહાનગર કોલકતાના સ્ટેશનેથી ટ્રેન મારફતે આશરે રૂ. 3,70,30,851ની કિંમતના ર,710 ગ્રામ અને 500 મીલીગ્રામ સોનાની ચેઈનોના રોલ લઇને અમદાવાદ જઇ રહેલા ગ્રોમોર વેલ્યુ પ્રા. લિ. કંપનીના કર્મચારીને નડિયાદ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર આંતરીને ચાર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવીને કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. આ સંદર્ભે કર્મચારીની ફરિયાદના આધારે નડિયાદ રેલવે પોલીસે ચાર લૂંટારૂ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ચકચારી લૂંટની ઘટનાને લઇને ખેડા - આણંદ તેમજ અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજયના હાઇવે પર નાકાબંધી કરીને વાહનોની તપાસ શરૂ કરાઇ હતી. આ દરમિયાન ચારેય આરોપીઓને અમદાવાદ જિલ્લા એલસીબી, વિરમગામ ટાઉન પોલીસ તેમજ પિૃમ રેલવે રેલવે એલસીબીના અધિકારીઓ તેમજ સ્ટાફની ટીમે ગણતરીના કલાકોમાં જ તમામ મુદ્દામાલ સાથે દબોચી લઈને લોકઅપ ભેગા કર્યા હતા. ઉત્તર ગુજરાતના વાવ થરાદ જિલ્લાના મોજરૂ ગામના વતની ભરતભાઇ કરશનભાઇ ચૌધરી કંપનીના આદેશ મુજબ કલકત્તા બ્રાન્ચમાં તા. 30મી સપ્ટેમ્બર, 2026 ના રોજ સોનાનો સામાન લેવા ગયો હતો. ભરતભાઇ કલકત્તા બ્રાન્ચમાંથી 2710 ગ્રામ સોનાની ચેનોના રોલવાળા ત્રણ બોકસ ગ્રીન કલરની પીઠ્ઠુબેગમાં મૂકીને તા. 1લી ઓકટોબર 2026ના રોજ રાત્રે 11 વાગે કલકત્તાના હાવડા રેલવે સ્ટેશન ખાતેથી હાવડા -અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. તા. 3જીને શનિવારે સાંજે આશરે 5.30 કલાકે ભરતભાઇ સોનુ ભરેલ બેગ લઇને ઉતર્યા હતા. અને એસટી બસમાં અમદાવાદ જવા માટે ઉતર્યા હતા. તેઓ પ્લેટફોર્મ નં 2 પરથી બસ માર્ગે અમદાવાદ જવા માટે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં 1 તરફ જતાં ફૂટ ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન ઉપરોકત કંપનીમાં અગાઉ ટ્રાન્સપોર્ટેશનનું કામ કરી ચૂકેલ સાવન ચૌધરી અને તેની સાથેના અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ પાછળથી આવી ભરતભાઇને ઘેરી લીધા હતા. એક ઇસમે તેને આગળથી પકડી લીધા હતા. જયારે સાવન ચૌધરીએ ગળેથી પકડી જો બૂમો પાડીશ તો તારૂ આવી બનશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીથી રૂ. 3,70,30,851 મતાની ધરાવતી સોનાના દાગીનાની બેગ આંચકીને તમામ લૂંટારૂઓ સ્ટેશન પાછળના ભાગેથી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂ પૈકી ત્રણ ઇસમો અગાઉથી પાર્ક કરેલી કારમાં અને સાવન ચૌધરી સિલ્વર કલરની કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે ભરતભાઇ ચૌધરી (ઉ.21)ની ફરિયાદના આધારે નડિયાદ રેલવે પોલીસે સાવન ચૌધરી સહિત અન્ય ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
લૂંટનો મેસેજ મળતા અમદાવાદ ગ્રામ્ય LCB, વિરમગામ ટાઉન પોલીસ તથા પશ્ચિમ રેલવે પોલીસની ટીમો સંયુક્ત રીતે આરોપીઓની વોચમાં હતી. દરમિયાન LCBઅમદાવાદ ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલહિમાંશુભાઈ અરજણભાઈએ પંચમુખી હનુમાન સર્કલ પાસેથી અગાઉથી ઓળખાયેલી બલેનો કારને કોર્ડન કરાઈ અટકાવી આ ગુનામાં સંડોવાયેલ સાવન ભાવેશભાઈ ચૌધરી, રહે. ખોડા ગામ, તા. કાંકરેજ, જી. બનાસકાંઠાને ઝડપી લીધો હતો અને લૂંટ કરેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઇસમો સફેદ કલરની ટીયાગો ગાડી નંબરGJ.08.DJ.0311માં પંચમુખી હનુમાન સર્કલ આવી રહ્યાની માહિતી પ્રાપ્ત થઈહતી. શનિવારે રાત્રિના નવથી સવા નવ કલાક દરમિયાન વાહન આવતા વાહન ચાલકે પંચમુખી હનુમાન સર્કલ પાસેથી બહુચરાજી માર્ગ પર વાહન દોડાવતા પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગઢવીએ સાહસ દાખવીને ફિલ્મી ઢબે કારનો પીછો કરી ટીયાગો કારનો દરવાજો ખોલી કાઢયો હતો. ગાડીના ચાલકને પકડી સ્ટીયરિંગ ઉપર કાબુ મેળવીને ગાડી થોભાવી દીધી હતી. ગાડીમાં સવાર ત્રણ આરોપીઓને ગ્રામ્ય એલસીબી અને શહેર પોલીસ ટીમે મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. નડિયાદ શહેરના રેલવે સ્ટેશન પર સોનાના દાગીનાની લૂંટનો ગુનો આચરી ફરાર ચારેય શખ્સોને અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં ગણતરીના કલાકોમાં ઝડપી પાડવાની કામગીરીને જિલ્લા એલસીબીના પીઆઈ આર.એન.કરમટીયા, વિરમગામ ટાઉન પીઆઈ એસ.એ.ગઢવી, માંડલ પોલીસ મથકના પીઆઈ પી. ડી. જાની, પીએસઆઈ આર. જે. ચોટલીયા, એલસીબી પીએસઆઈ આર.બી.રાઠોડ, એમ.એન.પરમાર(વેસ્ટર્ન રેલ્વે વડોદરા એલસીબી), ડી.એન. પટેલ( પીએસઆઈ વેસ્ટર્ન રેલ્વે વડોદરા એલસીબી), પીએસઆઈ એચ. કે. વાઘેલા સહિતના સ્ટાફની ટીમે પાર પાડી હતી.
