નડિયાદની ડૉ.એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં પ્લેસેન્ટા એક્રીટાની જટિલ સર્જરી દરમિયાન એક સાધારણ પરિવારની સગર્ભા મહિલા દર્દીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. લગભગ મોતના મુખમાં સરી પડેલ દર્દીને ડૉકટર્સે સતત સીપીઆર, 37 બોટલ રક્ત, બ્લડ પ્રોડક્ટ્સ, વેન્ટિલેટર પર રાખીને દર્દીની ના ફક્ત નિઃશુલ્ક સફળ સર્જરી કરી છે, પણ તેને પુનર્જીવન પણ આપતા દર્દીના પરિવારે ડૉકટર્સ ટીમને ભગવાનનું બીજું સ્વરૂપ કહી તેમની માનવતાને બિરદાવી હતી. મહુધા પંથકની એક 25 વર્ષીય સગર્ભા કે જેને પ્લેસેન્ટા ગર્ભાશય ઉપરાંત મુત્રાશય સુધી પણ ફેલાઈ ગઈ હતી. અન્ય હોસ્પિટલમાંથી રીફર થઈને દર્દી નડિયાદની ડૉ.એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. હોસ્પિટલના સ્ત્રીરોગ અને પ્રસુતિ વિભાગના વડા ડૉ.ચિંતન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે દર્દીને પાંચમા માસે જ આકસ્મિક ગર્ભાવસ્થાની જાણ થઈ હતી. તપાસમાં પ્લેસેન્ટા ગર્ભની ઓરડી ગર્ભાશયની દિવાલમાં અસામાન્ય રીતે ઊંડે પ્રવેશી ગઈ હતી. આ જટિલ સર્જરી દરમિયાન જીવલેણ રક્તસ્ત્રાવનું જોખમ પણ હતું. દર્દીના પરિવારને ગંભીરતા, સારવારની જટિલતા અને જોખમોથી અવગત કરીને દર્દીને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યા હતા. જટિલ સર્જરી દરમિયાન તેમને ભારે રક્તસ્ત્રાવ થયો હતો, અને દર્દીને ટેબલ પર જ કાર્ડિયાક અરેસ્ટ પણ આવ્યો હતો. જેથી એનેસ્થેસીયા વિભાગે તાત્કાલિક સીપીઆર, જરૂરી ઈલેકટ્રીક શોક સહિતની પુનર્જીવન પ્રક્રિયા હાથ ધરી હતી, અને દર્દીને ફરીથી જીવંત અને સ્થિર કર્યા હતા. ગંભીર સ્થિતિના કારણે દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દર્દીને કુલ 37 બોટલ યુનિટ અને બ્લડ પ્રોડક્ટ્સ આપી તબીબોની સતત દેખરેખ, સમયસર સારવાર અને વિવિધ વિભાગોની સંકલિત સહયોગથી દર્દીની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો હતો. આજે લગભગ દસ દિવસની સારવાર બાદ દર્દી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરિવાર સાથે પરત ફર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો