નડિયાદ રેલવે સ્ટેશન પર પીએસઆઈની સતર્કતાથી એક મહિલાનો જીવ બચી ગયો છે. મહિલા મુસાફર ચાલુ ટ્રેને નીચે ઉતરવા જતા બેલેન્સ ગુમાવતા ટ્રેનના દરવાજા પર લટકી ગયા હતા. જો કે પીએસઆઈએ એક પળની પણ વાર કર્યા વગર હિંમતભેર મહિલા મુસાફરને પ્લેટફોર્મ પર ખેંચી લઈ જીવ બચાવી લીધાના સીસીટીવીવાઈરલ થવા પામ્યા છે. બનાવ મામલે વધુમાં મળતી માહિતી મુજબ નડિયાદ રેલવે સ્ટેશન પર ત્રણેક મહિલાઓ ભુલથી કોઈ ખોટી ટ્રેનમાં ચઢી ગઈ હતી. ત્રણ પૈકી બે મહિલાઓ ટ્રેનમાંથી ઉતરી ગઈ હતી, જે બાદ ત્રીજી મહિલા પણ ટ્રેનમાંથી નીચે ઉતરવા ગઈ હતી. જો કે ટ્રેન ચાલુ થઈ ગઈ હોવાથી ટ્રેનમાંથી ઉતરવા જતા મહિલાનો પગ લપસ્યો હતો, જેથી તેણે ટ્રેનનો દરવાજો પકડી લીધો હતો. બનાવને જોતા જ નડિયાદ રેલવે જીઆરપી પીએસઆઈ દોડીને મહિલા પાસે પહોંચી ગયા હતા. અને મહિલા ટ્રેનની નીચે સરકી જાય એ પહેલાં જ મહિલાને બળપૂર્વક ખેંચીને પ્લેટફોર્મ પર લાવી દીધી હતી. પીએસઆઈની હિંમત,સતર્કતા અને સમયસુચકતાને લીધે એક મહિલાનો જીવ જતા બચ્યો હતો. પોલીસે એક મહિલા મુસાફરનો જીવ બચાવી, પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સુત્ર સાર્થક કરતાં હાજર લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
