વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિના દેવ શ્રીગણેશજીના આગમનને લઇને સમગ્ર ખેડા જિલ્લો ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે સોમવારે શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન, વૈદિક મંત્રોચ્ચાર અને ગણપતિ બાપ્પાના જયઘોષ વચ્ચે જિલ્લાના 422 થી વધુ સાર્વજનિક મંડપો ઉપરાંત હજારો ઘરોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવશે.ગણપતિ બાપ્પા મોરિયાક્રના નાદ અને ઢોલ-નગારાના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. ગણેશોત્સવના આગમન પૂર્વેથી જ શહેરો અને ગામડાંઓમાં ઉત્સવનો માહોલ છવાયો હતો. વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા આકર્ષક થીમ આધારિત પંડાલો, રંગબેરંગી રોશની અને સર્જનાત્મક સજાવટ કરવામાં આવી છે. અનેક સ્થળોએ શ્રીજીની પ્રતિમાની ભવ્ય આગમન શોભાયાત્રા યોજવામાં આવી હતી.
જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સહિત જિલ્લાભરમાં 422થી વધુ સ્થળોએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મંડળોએ પંડાલોને આકર્ષક લાઈટિંગ અને કલાત્મક ડેકોરેશનથી સજાવ્યા છે. તેમજ સોમવારે પંડાલોમાં શુભમુહૂર્ત આયોજકો દ્વારા ભગવાન ગણેશદેવની સ્થાપના કરવામા આવશે. સ્થાપનાને લઈને મંડળ ના આયોજકો સહિત ભક્તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા. 14મીએ મુર્તિના સ્થાપન દિવસથી આગામી દસ દિવસ દરમિયાન શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ મંડપોમાં ભજન-કીર્તન, મહાઆરતી, લોકડાયરા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સાંજ પડતાં જ રોશનીથી ઝગમગતા મંડપો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ગણેશોત્સવ શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખેડા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા સાથે સુરક્ષા વ્યવસ્થાની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આયોજકોને ટ્રાફ્કિ વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાને લગતા જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.આમ, ભક્તિ, શ્રાદ્ધા અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સાથે ખેડા જિલ્લામાં દસ દિવસીય ગણેશ મહોત્સવનો મંગલમય પ્રારંભ થશે. દસ દિવસ બાપ્પા મોરિયાક્રના જયઘોષથી સમગ્ર જિલ્લો ભક્તિમય બનશે. જિલ્લાના તમામ નાના-મોટા મંડળો દ્વારા દાદાના આગમનથી લઈને વિસર્જન સુધીના આયોજનોને આખરી ઓપ આપી દેવાયો છે. ભક્તોમાં ગણેશોત્સવને લઈને ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
