યાત્રાધામ ડાકોરમાં શનિવારે રાત્રે મહાકાળી મંદિર સામે આવેલ ઓવરબ્રિજ નીચે એક યુવાનની હત્યા થઈ જતા ચકચાર મચી જવા પામી છે. કોઈ અજાણ્યા ઈસમે રાત્રીના સુમારે સુઈ રહેલ યુવાનના માથામાં મોટો પથ્થર મારી હત્યા કરી નાંખી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક અને એલસીબી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ ગુનાનું પગેરુ મેળવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

ડાકોરના મહાકાળી મંદિર પાસે ખેતરમાં રહેતા પીલુબેન વિજયભાઈ પરમાર મજુરીકામ કરે છે. તેમનો નાનોભાઈ દિનેશભાઈ કેશુભાઈ હાથડીયા (રહે.સેવાલિયા) બે દિવસ અગાઉ લોકલ ટ્રેનમાં બેસી સેવાલિયાથી ડાકોર મળવા માટે આવ્યો હતો. ગઈકાલે તા.8મીની રાત્રે બંને ભાઈ બહેન જમીને ઓવરબ્રિજ નીચે જ ખુલ્લામાં સુઈ ગયા હતા. આજે તા.9 ઓગષ્ટ 2026ના રોજ સવારના પાંચેક વાગ્યે અઝાન થતાં પીલુબેનની આંખ ઉઘડી હતી. તેમણે જોયું કે નજીકમાં ભાઈ સુઈ રહ્યો છે. તે ચાલતા ચાલતા ડાકોર બસ સ્ટેશને ચા પીવા ગયા હતા. અડધા કલાક બાદ પરત આવતાં તેમના ભાઈના માથા પર મોટો પથ્થર હતો. જે ખસેડીને જોતા ભાઈનું માથુ લોહીલુહાણ થયેલું હતું. જેથી તેમણે બુમાબુમ કરી હતી, સ્થાનિકે 108ને કોલ કરતાં ટીમે સ્થળ પર આવીને દિનેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ મામલે પીલુબેનની ફરિયાદના આધારે ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડાકોર ઈન્ચાર્જ પી.આઈ. એ.એસ.ચૌધરીએ જણાવ્યું હતુું કે આ મામલે પુછતાછ હાથ ધરાઈ છે, આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજ ચકાસવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.