ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં છ લોકોના મોત જ્યારે 11ને ઈજા પહોંચવા પામી છે. કઠલાલમાં ગણપતિ વિસર્જન કરી પરત ફરી રહેલ ટેમ્પીને અમદાવાદ તરફથી રોંગ સાઈડે આવતાં ટ્રેકટરે ટકકર મારતાં ટેમ્પી ત્રણ પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટેમ્પીમાં સવાર 12 પૈકી ચારના મોત જ્યારે આઠ લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી. જ્યારે લીંબાસી અને મહુધા પંથકમાં સર્જાયેલ અકસ્માતમાં બેના મોત નિપજયા છે. મુળ પાટણ હાલ અમદાવાદના ઓઢવમાં રહેતા વિજયભાઈ ભલાભાઈ પરમાર તથા તેમની સાથે કંપનીમાં કામ કરતાં તેમના 11 મિત્રો ટેમ્પીમાં ગત તા.25 સપ્ટેમ્બર 2026ના રોજ ગણપતિ વિસર્જન માટે કઠલાલના વાત્રક નદીએ ગયા હતા. વિસર્જન પૂર્ણ કરી પરત અમદાવાદ જઈ રહ્યા હતા. દરમિયાન અમદાવાદ - ઈન્દોર હાઈવે પર કઠલાલના ગાડવેલ નજીક રોંગસાઈડે અમદાવાદ તરફથી એક પુરપાટઝડપે આવતાં ટ્રેકટરે તેમની ટેમ્પીને ટકકર મારી હતી. જેથી ટેમ્પી બે ત્રણ પલ્ટી ખાઈ જતા ટેમ્પીમાં સવાર બાર લોકો ઉછળીને રોડ પર પટકાયા હતા. ટ્રેકટર ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પી ચાલક વિજયભાઈને માથામાં ઈજા પહોંચી હતી. તેમની બાજુમાં બેઠેલ અજય મોરેશ્વર કઠાણેનું માથામાં ગંભીર ઈજાઓના કારણે સ્થળ પરજ મોત નિપજયું હતું. સંજય બાબુજી ઠાકોર, ટેમ્પીના પાછળના ભાગે બેઠેલ સુકાન્ત અક્ષયકુમાર ભાઈ, નંદલાલ વિશ્વ મહેતાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે રાજેશ અક્ષયકુમાર ભાઈ, અજય બાબુજી ઠાકોર, રજનીશ અજયભાઈ પટેલ, આશીષ કોદરભાઈ, હાર્દિક મોતીભાઈ, સીબુના ખટવા, આદિત્ય બાંગુલી, અજય ખરાટને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. સ્થાનિકોએ 108ને કોલ કરતાં એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ઈજાગ્રસ્તોને કઠલાલ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી કેટલાકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ તથા અન્યત્ર ખસેડયા હતા. જેમાં સારવાર દરમિયાન સુકાન્ત જગાબુંદ ભાઈ, સંજય બાબુજી ઠાકોર તથા નંદલાલ વિશ્વ મહેતાનું મોત નિપજયું હતું. બનાવ મામલે વિજયભાઈ પરમારની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
