ગુજરાત રાજ્યમાં દારુની હેરાફેરી સક્રિય બની ગઈ છે. હરીયાણાથી વાપી જતી એક કન્ટેનરને ગાંધીનગર એસએમસી કપડવંજ નજીકથી ઝડપી પાડી છે. કન્ટેનરમાં સવાર બે ઈસમો સાથે 50 લાખ ઉપરાંતનો વિદેશી દારુ અને મુદ્દામાલ મળી કુલ રુ. 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે. એક કથ્થઈ કલરની બંધ બોડીની કન્ટેનરમાં મોટા જથ્થામાં વિદેશી દારુનો જથ્થો ભરી વાપી જનાર હોવાની બાતમી ગાંધીનગર એસએમસીને મળી હતી. બાતમી આધારે એસએમસીએ કપડવંજ મોડાસા રોડ પર આવેલ રેલીયા નજીક કન્ટેનર તિરંગા હોટલ નજીક ઉભી રહેતા જ એસએમસીએ ઝડપી પાડી હતી. કન્ટેનરમાં પાણીના બોક્ષની આડમાં વિદેશી દારુનો જથ્થો સંતાડેલો હતો. કન્ટેનરમાં સવાર બે ઈસમો કન્ટેનર ચાલક રુકમુદ્દીન રજાક મેવ (રહે.કાંગરકા ગામ, આયશા મસ્જીદની સામે, મેવાત, હરીયાણા)તથા નોમાન જોખમાન મેવ (રહે. સિલખોહ, મેવાત, હરીયાણા) ને ઝડપી પાડયા હતા. કન્ટેનરમાંથી વિદેશી દારુની નાની મોટી 11399 નંગ બોટલ (કિંમત રુ. 54.58 લાખ) મળી આવી હતી. પોલીસે દારુ, ત્રણ નંગ મોબાઈલ, રોકડ, કન્ટેનર મળી કુલ રુ. 80.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પુછતાછમાં ચાલકે જણાવ્યું હતું કે રોહિત જાટ (હરીયાણા)સાથે ક્લિનર તરીકે છેલ્લા આઠ માસથી નોકરી કરતો હતો. તેણે દારુ ભરેલ કન્ટેનર વિલાસપુર હરીયાણાથી આપી હતી અને વાપી દારુ ઠાલવવાનું જણાવ્યું હતું. કપડવંજ રેલીયા તિરંગા હોટલ નજીક ઉભા રહેજો, લોકેશન મોકલીશ તે બાદ આગળ જવાનું જણાવ્યું હતું. એક ટ્રીપના 30 હજાર આપવાનો વાયદો કર્યો હતો. પોલીસે આ મામલે કપડવંજ રુરલ પોલીસ મથકે ત્રણેય ઉપરાંત હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: