લાંબાગાળાના પ્રેમ સંબંધ બાદ પ્રેમીના લગ્ન થઈ જતાં પ્રેમિકાએ છેડો ફાડી નાંખ્યો હતો. જો કે લગ્નના થોડાક સમય બાદ પ્રેમી ફરીથી પ્રેમિકાને સંબંધ નહીં રાખે તો ફોટા વાઈરલ કરીશ તેવી ધમકી આપી પ્રેમિકા તથા તેના ભાઈને ઉઠાવી જઈ મારી નાંખવાની ધમકી આપતો હતો. અવારનવારની પ્રેમીની ધમકીથી કંટાળી આખરે યુવતીએ અભયમ પાસે મદદ માંગી હતી. અભયમે પરિણીત પ્રેમીને કાયદાનું ભાન કરાવતાં સાન ઠેકાણે આવી હતી. ખેડા જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીને છેલ્લા સાત વર્ષથી એક પોતાનાથી મોટી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ પ્રેમીનું લગ્ન થઈ જતા બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો હતો. લગ્નના થોડાક સમય બાદ પ્રેમીએ પ્રેમિકાને આંતરી હતી. અને ફરીથી પ્રેમ સંબંધ શરુ કરવાની માંગ કરી હતી. જો કે યુવતીએ તારા લગ્ન થઈ ગયા છે, જેથી હવે આપણી વચ્ચે કોઈ સંબંધ ના રહી શકે કહેતા પ્રેમીએ મારા લગ્ન ભલે થઈ ગયા, પણ હું તારી સાથે પ્રેમ સંબંધ રાખવા માંગુ છું. અને જો તું ના પાડીશ તો હું તારા ફોટા વાઈરલ કરી તને બદનામ કરી નાંખીશ કહી યુવતી પાસેથી તેનો મોબાઈલ છીનવી લીધો હતો. તું મારી સાથે સંબંધ નહીં રાખુ તો તને અથવા તો તારા ભાઈને બંનેને ઉઠાવી જઈશ અને મારી નાંખીશ તેવી ધમકી આપતાં યુવતી હેબતાઈ ગઈ હતી. યુવતીએ ઘરે જઈને સઘળી હકીકત પોતાના માતા - પિતાને કરી હતી. જેથી માતા-પિતા પણ યુવતી સાથે પરિણીત ઈસમના ઘરે ગયા હતા અને તેની પાસે ફોનની માંગણી કરી હતી. પણ ઈસમે ફોન આપવાની ધરાર ના પાડી દીધી હતી. જે બાદ યુવતીએ આ મામલે મહિલા હેલ્પલાઈન અભયમ 181ને કોલ કર્યો હતો. જેથી નડિયાદ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. યુવતી પાસેથી સઘળી હકીકત જાણ્યા બાદ ટીમે પરિણીત ઈસમને ઝડપ્યો હતો. અને તારા કરતાં યુવતી ઉંમરમાં ઘણી નાની છે, તું પરિણીત છું, તારી સાથે સંબંધ રાખવાની ના પાડે છે, છતાં ધમકી આપી હેરાનગતિ કરું છુ જેથી તારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું કહેતા પરિણીત ઈસમે ફરીથી યુવતીને હેરાન નહીં કરે કહી યુવતીનો ફોન પરત આપ્યો હતો.
