મહુધા-ડાકોર રોડ પર આવેલ સાસ્તાપુર પાટિયા પાસે 27 દિવસ પહેલાંએક અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરે રોડ ક્રોસ કરતાં બાઈકને ટકકર મારતાં બાઈક પર સવાર 17 વર્ષીય કિશોરનું મોત નિપજયું હતું. જો કે કાયદાની અજ્ઞાનતાના કારણે પરિવારે જે તે વખતે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. મહેમદાવાદ તાલુકાના ભુમાપુરા શંકરપુરા સીમ વિસ્તારમાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ તખાભાઈ ચૌહાણનો મોટો દિકરો કરણસિંહ જે ધોરણ 12માં ભણતો હતો. તે ગત તા.3 ડિસેમ્બર 2025ના રોજ બાઈક લઈને ઘરેથી તેના મોસાળ મહુધાના ખલાડી જવા નીકળ્યો હતો. સાંજના સુમારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી કરણને મહુધાના સાસ્તાપુર પાટિયા પાસે અકસ્માત નડયો હોવાની જાણ કરી હતી. અને તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાતો હોવાનું જાણતા જગદીશભાઈ અન્ય પરિવારજનો સાથે હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેમના દિકરા કરણને માથાના ભાગે અને હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દિકરાએ જણાવ્યું હતું કે તે બાઈક લઈને રોડ ક્રોસ કરતો હતો દરમિયાન એક ડમ્પરચાલકે પુરઝડપે તેની બાઈકને ટકકર મારી હતી. બનાવને પગલે લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. જે બાદ કરણ બેભાન થઈ ગઈ હતો. તેની સ્થિતિ નાજુક જણાતા સિવિલ હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હતો. જ્યાંથી સીટી સ્કેન માટે લઈ જવાતો હોય તે દરમિયાન રસ્તામાં જ યુવાનનું મોત નિપજયું હતું. આ બનાવ મામલે તેમણે આજરોજ ડમ્પરના ચાલક વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો