ખેડા જિલ્લા પંચાયતની ગુરૂવારે સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં સર્વાનુમતે જિલ્લાના 10 ગામોનો નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઇ જતાં , આ તમામ ગામોની 25 પ્રાથમિક શાળાઓ અને એક પીએચસી સહિત 9 આરોગ્ય કેન્દ્રોનો વહીવટી નડિયાદ મહાનગરપાલિકાને સોપવાનો ઠરાવ તેમજ કપડવંજના ભઇલાકૂઇ અને મહુધાના નિઝામપુરામાં સરકારી માધ્યમિક શાળાઓના મકાન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત અનુ.જાતિ વિસ્તારમાં રૂ. 32 લાખનો વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ભાજપ શાસિત નડિયાદ ખેડા જિલ્લા પંચાયત કચેરીમાં ગુરૂવારે બપોરે 12 કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ હિતેશભાઇ તડવીના અધ્યક્ષસ્થાને જિ.પંની સામાન્ય સભા પટેલ હોલમાં યોજાઇ હતી. આ સભામાં પ્રમુખે એજન્ડા મુજબ વિવિધ 18 કામો રજૂ કર્યા હતા. આ તમામ કામોને સભામાં ઉપસ્થિત દરેક સભ્યોએ પાટલી થપથપાવીને મંજૂરી આપી હતી.જેમાં જિલ્લાના નડિયાદ તાલુકાના 10 ગામોનો નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઇ ગયો છે. જેમાં ડભાણ ,પીપલગ, ડુમરાલ, ટુંડેલ, મંજીપુરા , કમળા, યોગીનગર , ઉત્તરસંડા, ફતેપુરા અને બિલોદરા ગામોની આંગણવાડીઓ, 25 પ્રાથમિક શાળાઓ અને એક પીએચસી અને આઠ આરોગ્ય સબ સેન્ટરોનો વહીવટી નડિયાદ મહાનગરપાલિકાને સોપવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 15 માં નાણાંપંચ અંતર્ગત જિલ્લા કક્ષા વર્ષ 2024-25, 2025-26 અને 2022-23ની બચત રકમના સુધારા આયોજનોના વિકાસના કામોની વહીવટી મંજૂરીને બહાલી આપવામાં આવી છે. તેમજ જૂની મહુધા તાલુકા પંચાયતની ઇમારત , નડિયાદમાં જૂની જિલ્લા પંચાયત કચેરી ઇમારત અને જિલ્લા પંચાયત પ્રમુખનો જર્જરિત બંગલો જમીનદોસ્ત કરવા અને જિલ્લા પંચાયતના સુધારેલ અંદાજપત્ર માંથી સ્ટેમ્પ ડયુટીની આવક માંથી ખર્ચ કરવા રૂ. 250 લાખના કામોના આયોજનો મંજૂર કરવામા આવ્યા છે. જિ.પંના આરોગ્ય હસ્તક ફાગવેલ , મહેમદાવાદ તાલુકાના કેસરા અને મહુધાના નાનીખડોલ જર્જરિત આરોગ્ય મકાન તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર , જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત કારોબારી ચેરમેન ,સભ્યો તથા શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો