નડિયાદના અલ્હાદ વગામાં આવેલ 100 વર્ષ જૂની વાસણની દુકાનમાંથી વાસણનો મોટો સ્ટોક ચોરાઈ ગયો હતો. ખેડા એલસીબીએ બાતમી આધારે બે તસ્કરોને ચોરીના એક્ટીવા પર વાસણનો જથ્થો વેચવા જતા ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
નડિયાદમાં રહેતા શ્રોણીક રાજેશભાઈ શાહે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે કંસારા બજાર અલ્હાદવગામાં શાહ બાપુલાલ મોતીલાલ નામની તેમની વાસણની દુકાન છે, જેની પાછળના ભાગે ગોડાઉન આવેલું છે. જે મુખ્ય દરવાજાથી વાસણો મુકવા લેવા જતા હોય છે, તેનો એક વૈકલ્પિક બીજો શટલ દરવાજો છે, જે કદી ખોલતા નથી, તેના આગળ કચરા ભરેલ કોથળા મુકી રાખતા હોય છે. ગત તા.1 ઓગષ્ટ 2026ના રોજ ગોડાઉનમાં વાસણોનો સ્ટોક ઓછો જણાતા સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં તા.26 અને તા.28મીના રોજ રાત્રીના બે થી સાડા ત્રણેક વાગ્યાના અરસામાં બે ઈસમો વૈકલ્પિક રસ્તાથી વાસણોનો સ્ટોક ચોરી કરી, દરવાજો બંધ કરી આગળના ભાગે કોથળા જેમ મુકેલા હતા તેમ જ મુકી દીધા હતા, જેથી ચોરી થયાની જાણ થઈ ન હતી. આ મામલે તેમણે પીત્તળની 80 ડોલ અને તાંબાના 70 લોટા કુલ મળી રુ. 2.71 લાખનો મુદ્દામાલ ચોરાયાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ મથકે આપી હતી. દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ એક્ઝીટ પાસેથી બે ઈસમો નંબર વગરના એક્ટીવા પર કોથળા ભરેલ વાસણો લઈને પસાર થનાર છે, જેે બાતમી આધારે પોલીસે બંને ચોર રશ્મીક નરેન્દ્રભાઈ ઝાલા (રહે.મહુડીયાપુરા, નડિયાદ) અને કિરણ મહેન્દ્રભાઈ પરમાર (રહે.ફતેપુરા, નડિયાદ)ને ઝડપી પાડ્યા હતા. 2.37 લાખના વાસણો, 50 હજારનું એક્ટીવા જે ગણપતિ ચોકડી પાસેથી સાતેક માસ પહેલાં ચોરી કરેલ હોય તેને પણ કબજે લીધું હતું.
