ખેડા એલસીબીએ ઠાસરા પંથકમાંથી એક હજારથી વધુ કિલોના સળિયા સાથે એક ત્રિપુટીને ઝડપી પાડી હતી. મહત્વની બાબત એ છે કે સાઈટ પરથી સળિયા ચોરાઈની જાણ કોઈને હતી જ નહીં. એલસીબીએ સાઈટ એન્જીનીયરીંગને જાણ કરતાં સળિયાનો મોટો જથ્થો ચોરાઈ ગયાની તેમને જાણ થઈ હતી. ઠાસરામાંથી ટ્રેકટરમાં ચોરી કરેલ લોખંડના સળિયા ભરીને એક ત્રિપુટી ઠાસરા શિહોરી ફળીયા તરફ જનાર હોવાની બાતમી ખેડા નડિયાદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે શિહોરી ફળીયામાં વોચ ગોઠવી હતી. બાતમીવાળું ટ્રેકટર આવતાં પોલીસે ટ્રેકટર ચાલક, અને અન્ય બે ઈસમોને દબોચી લીધા હતા. ટ્રેકટરમાં ભરેલ સળિયા મામલે પુછતાછ કરતાં ત્રિપુટીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે ત્રિપુટીની કડક પુછતાછ કરતાં ઠાસરા આઈટીઆઈ પાસેથી સળિયાની ચોરી કર્યાની કબુલાત કરી હતી. સળિયાની ગણતરી કરતાં 106 નંગ સળિયા, 12 મીટર લાંબા, 12 એમએમના અને એક સળિયાનું વજન 10 કિલો એમ કુલ 1060 કિલોના સળિયા હતી. જેથી પોલીસે ડિસેમ્બર 2025થી ઠાસરા હડમતીયા વાંઘરોલી ગામ સુધીની પ્રોટકશન દિવાલ અને આરસીસીનું કામ ચાલુ હોય અને તેના કામ માટે ઠાસરા ફેરકુવા આઈટીઆઈ પાસે સળિયાનો જથ્થો રાખેલ હોય તે સિવિલ એન્જીનીયર અંકિતભાઈ પટેલને ફોન કરી પુછતાછ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને પણ ચોરીની જાણ ન હતી, પણ તેમણે સાઈટ પર તપાસ અને ગણતરી કરતાં ચોરી થયાની જાણ થઈ હતી. સિવિલ એન્જીનીયરે આ મામલે ઠાસરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
