ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુચોર ટોળકી સક્રિય થયાની બુમો ઉઠવા પામી છે. એકલ દોકલ પશુઓ ચોરાઈ જતા હોય પશુપાલકો દ્વારા પશુઓની શોધખોળ કરવામાં આવે છે.
પણ પશુઓ મળી આવતા નથી. એકલ દોકલ પશુઓની ચોરી મામલે મોટાભાગે ફરિયાદો પણ નોંધાતી નથી. દસેક દિવસ પહેલાં મહેમદાવાદ રુદણમાંથી પણ એક કાંકરેજ ગાય ચોરી થઈ હતી. જે દસ દિવસ બાદ એક વાહનમાં ગાયને વેચાણ માટે લઈ જતા પશુપાલકે અટકાવી હતી.
મહેમદાવાદના રુદણમાં રહેતા અમિત પુંજાભાઈ રબારી પાસે 15 દેશી ગાયો અને 15 ભેંસો છે. જે પશુઓને તે વાડામાં બાંધી રાખે છે. ગત તા.3 ડિસેમ્બરના રોજ સવારે વાડામાં તે દૂધ દોહવા ગયા હતા દરમિયાન સફેદ કલરની, મોટા શીંગડાવાળી કાંકરેજ ગાય, જેને ડામ દીધેલાનું નિશાન હતું તે મળી આવી ન હતી. જેથી તેમણે આસપાસ તપાસ કરી હતી પણ ગાયની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન તા.14 ડિસેમ્બરના રોજ ચીણીયા તળાવ પર પશુપાલક ગાયો ચરાવતા હતા. દરમિયાન રુદણ ચોકડી તરફથી એક પીકઅપ ડાલુ ગાય લઈને પસાર થતું હોઈ, તેમની નજર પડતા ડામના નિશાનવાળી ગાય તેમની જ હોવાનું લાગતા તેમણે વાહનને રોક્યું હતું. વાહનચાલકની પુછતાછ કરતાં રમેશ રેવાભાઈ પરમાર (રહે.કરોલી, મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. ગાય ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો તે મામલે પુછતાછ કરતાં ગાય માંકવાના જગદીશ મેલસિંહ રાણાએ ભરી આપી હોવાનું અને મહુધાના શકીલ કુરેશીએ વેચાણ લીધી હોય ત્યાં ડિલિવર કરવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પશુપાલકને આ મામલે પોલીસને જાણ કરી હતી. અને ચોરી કરનાર અને ચોરીનો માલ વેચાણ લેનાર બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો