નડિયાદ બિલોદરા જિલ્લા જેલના કાચા કામના બે કેદી આ વખતે ધો. 12ની બોર્ડની પરીક્ષા આપશે. આ બંને કેદીઓને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને શૈક્ષણિક કિટ પણ પૂરી પાડવામાં આવી છે.


ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આર.પી. સુમેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10 અને 12 ની પરીક્ષા તા. 26 ફેબ્રુઆરીના રોજ શરૂ થનાર છે. આ પરીક્ષાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ધો. 10ના 29724 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહના 15445 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 2442 મળીને કુલ 47611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં નડિયાદ બિલોદરા જિલ્લા જેલના કાચા કામના કેદી તરીકે જેલ ભોગવી રહેલા બે કેદી ભાઇઓ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે. આ બંને કેદીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે. જેલ વિભાગ દ્વારા આ બંને કેદીઓ માટે જરૂરી પુસ્તકો અને શૈક્ષણિક કિટ પૂરી પાડવામાં આવી છે. પરીક્ષાના સમયે આ બંને કેદીઓને પોલીસ જાપ્તા સાથે વડોદરા જિલ્લા મધ્યસ્થ જેલ ખાતેના પરીક્ષા કેન્દ્રમાં લઇ જવામાં આવશે. જયાં બંને કેદીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તેવું આયોજન કરવામાં આવે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત નડિયાદ જેલમાં લાવવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લાના 53 દિવ્યાંગો બોર્ડની પરીક્ષા આપનાર છે. આ દિવ્યાંગો માટે પરીક્ષા કેન્દ્ર ખાતે ગ્રાઉન્ડ ફલોરના બ્લોકમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા ગોઠવવામા આવશે. દિવ્યાંગોને લહિયા માટે નિયમ મુજબ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ બોર્ડની પરીક્ષા કુલ 59 પરીક્ષા કેન્દ્રો અને 111 પરીક્ષા બિલ્ડીંગના 1711 બ્લોકમાં લેવામાં આવનાર છે. જયારે 173 પરીક્ષા સ્થળો પૈકી 32 પરીક્ષા સ્થળો બિલ્ડીંગો સંવેદનશીલ છે. આ પરીક્ષામાં કુલ 2561 અધિકારી અને કર્મચારીઓ ફરજ બજાવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: