ઠાસરા તાલુકાના નેસ ગામમાં રવિવારે મોડી રાત્રે અચાનક એક મકાનની દિવાલ ધરાશાયી થતા નિંદ્રાધીન એકજ પરિવારના પાંચ સભ્યો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. કાટમાળમાં દબાઇ જવાથી સાસુ -પુત્રવધુનું મૃત્યુ નીપજયું હતું. જયારે ગ્રામજનોએની ત્વરિત બચાવ કામગીરીના કારણે આ પરિવારના મોભી અને તેમની બે માસૂમ દીકરીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત પૈકી બે દીકરીઓને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સાસુ-વહુના મૃત્યુને લઇને ગામમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો છે.

ઠાસરાના નેસ ગામમાં આવેલ વાળંદ ફળિયામાં રહેતા પ્રવિણભાઇ પૂનભાઇ વાળંદ પોતાના પરિવાર સાથે રહે છે. રવિવારે રાત્રે પ્રવિણભાઇ, પત્ની સોનમબેન (ઉ.38) , માતા કોકિલાબેન (ઉ.65) અને બે દિકરીઓ નિશા (ઉ. 13 ) અને આરોહી (ઉ. 8) નિત્યક્રમ મુજબ જમી પરવારીને ઘરમાં સૂતા હતા. દરમિયાન રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં તેમના મકાનની એક દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઇ હતી. આ દિવાલ થતાં પાડોશમાં રહેતા પરિવારો પણ ભર નીંદ્રામાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. દિવાલ ધરાશાયીના કાટમાળ સૂતેલા પ્રવિણભાઇ વાળંદ સહિત તેમનો પરિવાર ઉપર પડતાં નીચે દબાણ ગયા હતા. પ્રવિણભાઇ અને તેમની બે દિકરીઓએ બચાવો , બચાવોની બૂમો અને ચીસો પાડતાં સ્થાનિક રહીશો સ્થળ પર દોડીને કાટમાળ ખસેડીને દબાયેલા પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ કાટમાળના કારણે સોનમબેન અને સાસુ કોકિલાબેનને ગંભીર ઇજાઓ થતાં બંનેના મૃત્યુ નીપજયા હતા. જયારે ઇજાગ્રસ્ત પ્રવિણભાઇ, દિકરી નિશા અને આરોહીને કાટમાળ માંથી બહાર કાઢીને સરકારી દવાખાનામાં ખસેડાયા હતા.