ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા જુના ડુમરાલ રોડ પર સ્થિત 'દિવ્યધરા સંસ્થા' ખાતે આગ લાગવાનો એક નવો બનાવ સામે આવ્યો છે. અહીં સંસ્થાના પહેલા માળે આવેલા એક બંધ રૂમની અંદર અચાનક એર કંડિશનર (AC) માં ભયાનક આગ ફાટી નીકળી હતી. બંધ રૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જ આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડે વોટર બ્રાઉઝરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરોની ટીમ વોટર બ્રાઉઝર અને જરૂરી લશ્કર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બંધ રૂમનો દરવાજો ખોલી, ભારે જહેમત બાદ એસીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની તત્પરતાને કારણે આગ આગળ વધતી અટકી હતી અને એક મોટી જાનહાનિ થતાં ટળી ગઈ હતી.
