SMC એ નડિયાદ રૂરલ પોલીસની હદમાં આવતી બિલોદરા જેલ નજીક એક મોટી કામગીરી કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને SMC એ ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારને ઝડપી પાડી છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
SMC ની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે આકાશ નાનજી તળપદા અને મયુર દિનેશ તળપદા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. કારની તલાશી લેતા તેમાંથી રૂ. 12 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓ અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતા હતા. પોલીસથી બચવા માટે તેઓ કારમાં 'જંગી એપ્લિકેશન' (Zangi App) નો ઉપયોગ કરતા હતા જેથી તેમનું લોકેશન ટ્રેક ન થઈ શકે. આ ઉપરાંત, કારમાંથી અન્ય રાજ્યોની નકલી નંબર પ્લેટો પણ મળી આવી છે, જેનો ઉપયોગ તેઓ પોલીસને છેતરવા માટે કરતા હતા.
તપાસનો ધમધમાટ
આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતા જીતુ તળપદા અને ગની સહિત અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMC એ આ મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેલની નજીક જ આટલો મોટો દારૂનો જથ્થો પકડાવતા સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: Surat: અમરોલી પોલીસે કુખ્યાત આઝાદસિંગ ગેંગને પાંજરે પૂરી, 39 ગુનામાં સંડોવાયેલી ટોળકી પર GUJCTOCનો ગાળિયો