નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક રેલવે સ્ટેશન પર કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામેલા બે શ્રમિકોના પરિવારોને મોટી સહાયની જાહેરાત કરવામાં આવી છે. લાંબી મધ્યસ્થતા બાદ, રેલવેનું કામ કરતી કંપની બંને મૃતકોના પરિવારજનોને કુલ એક કરોડ રૂપિયા (₹1,00,00,000) ની સહાય ચૂકવવા લેખિતમાં સહમત થઈ છે.
કરુણ ઘટના અને મૃતકોની ઓળખ
આ કરુણ ઘટના તિલકવાડા નજીક રેલવે સ્ટેશનમાં અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બની હતી. ખાડો ખોદવાની કામગીરી વખતે અચાનક વીજ કરંટ લાગવાથી બે શ્રમિકોના મોત થયા હતા. મૃત્યુ પામનાર શ્રમિકોની ઓળખ દાહોદ જિલ્લાના ગોવિંદ ડામોર અને વિજય મેડા તરીકે થઈ છે.
આગેવાનોની મધ્યસ્થતા બાદ સહાયની જાહેરાત
આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ધારાસભ્ય ચૈતર વસાવા, અને કોંગ્રેસના પ્રમુખ રણજીત તડવીએ મધ્યસ્થતાની ભૂમિકા ભજવી હતી. આ નેતાઓની દરમિયાનગીરી બાદ, રેલવેનું કામ સંભાળતી કંપની બંને મૃતક શ્રમિકોના પરિવારને 50-50 લાખ રૂપિયાની સહાય આપવા માટે તૈયાર થઈ હતી. કંપની દ્વારા આજે (પ્રથમ તબક્કામાં) બંને મૃતકોના બેંક ખાતામાં 22.5-22.5 લાખ રૂપિયા જમા પણ કરાવી દેવામાં આવ્યા છે. આ સહાયથી મૃતક શ્રમિકોના પરિવારજનોને મોટી આર્થિક મદદ મળી રહેશે.
આ પણ વાંંચો: વીજ કરંટથી બે વ્યક્તિ જીવતા ભડથું, ચોરીના ઇરાદે આવ્યા હોવાની ચર્ચા