નવ નિર્મિત ચિકદા તાલુકાના નાની બેડવાણ ગામે રાસાયણિક યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીની વ્યસ્ત સિઝનમાં સમયસર ખાતર ન મળતાં ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ત્રણ-ત્રણ દિવસથી લાંબી લાઇનમાં ઊભા રહે છે. છતાં તેમને યુરિયા ખાતર મળતું નથી. તેમનો આક્ષેપ છે કે, દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા પહોંચે છે. પરંતુ માત્ર 50થી 60 ખેડૂતોને જ યુરિયા અપાય છે. જ્યારે બાકીના ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવું પડે છે. ખાતર વિતરણ દરમિયાન અવ્યવસ્થાને કારણે ખેડૂતો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની ઘટના પણ બનતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી ચિકદા તાલુકામાં અલગ ખાતર ડેપો ફાળવવાની માગ કરાઇ છે. જેથી ખેડૂતોને નજીકમાં અને સમયસર ખાતર મળી રહે. ખેડૂતોનું કહેવું છે કે, ખેતીની સિઝન દરમિયાન તેઓ પોતાના રોજિંદા કામકાજ છોડીને માત્ર ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યાં છે. હાલમાં તાલુકામાં સારો વરસાદ પડી રહ્યો છે. મોટા ભાગના ખેડૂતો પાકોની વાવણી પૂર્ણ કરી ચૂક્યા છે. હવે પાકના યોગ્ય વિકાસ માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોની માગ છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને કૃષિ વિભાગ તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવે અને વિતરણ વ્યવસ્થામાં સુધારો કરીને ખેડૂતોને હાલાકીમાંથી મુક્તિ અપાવે.
