ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી પોતાના ઉનાળુ પાકને બચાવવા માટે નર્મદા નહેરમાંથી સિંચાઈનું પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા. રાજ્યના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના કેટલાય ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી સમક્ષ સંયુક્ત રજૂઆતો કરી હતી. જનતા અને ખેડૂતોની આ વેદનાને સમજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નર્મદા નિગમ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને આયોજન કરતાં વહેલા એટલે કે 11 જૂનથી જ કેનાલમાં પાણી છોડવાના કડક આદેશો આપ્યા હતા.
નર્મદા ડેમમાં પૂરતો જળજથ્થો, ચિંતા ટળી
ચોમાસાની શરૂઆત પહેલા જ સરદાર સરોવર ડેમની સ્થિતિ અત્યંત મજબૂત અને સંતોષજનક જોવા મળી રહી છે, જે ખરા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 127.64 મીટર પર પહોંચી ગઈ છે, જે સિંચાઈ અને પીવાના પાણીની આગામી મહિનાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી છે. આ સિવાય, ડેમના ઉપરવાસમાંથી પણ સતત 5,491 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. આ સાનુકૂળ સ્થિતિના કારણે નર્મદા નિગમે નર્મદા મેઈન કેનાલમાં 15,000 ક્યુસેક કરતાં પણ વધુ પાણી છોડવાનું શરૂ કર્યું છે.










