દેડિયાપાડા ખાતે આજે તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી આગેવાનોએ ઉપસ્થિત રહી આદિવાસી સમાજના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે પુરુષો અને મહિલાઓ પરંપરાગત આદિવાસી વેશભૂષા તથા આભૂષણો ધારણ કરીને કાર્યક્રમમાં જોડાયા હતા. પુરુષો પરંપરાગત વેશભૂષા સાથે વિવિધ પરંપરાગત શસ્ત્ર્રો લઈને પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઢોલ-નગારાં અને શરણાઈના સૂરો સાથે સમગ્ર દેડિયાપાડા આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું હતું. બિરસા મુંડા ચોક ખાતે પૂજા-અર્ચના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પીઠા ગ્રાઉન્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે, બેન્ડ-વાજા અને પરંપરાગત ઢોલ-નગારાના તાલે આદિવાસી સમાજના લોકો નૃત્ય કરતા રેલીમાં જોડાયા હતા.રેલી દેડિયાપાડા ચાર રસ્તા ખાતે આવેલા બિરસા મુંડા ચોક પર પહોંચી હતી, જ્યાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી દેડિયાપાડાના મુખ્ય બજારમાંથી પસાર થઈ લીમડા ચોક થઈને પરત પીઠા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી.રેલી દરમિયાન દેડિયાપાડાના માર્ગો પર આદિવાસી સમાજનો વિશાળ માનવ મહેરામણ જોવા મળ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો