નર્મદા જિલ્લામાં આજે તા. 13 ઓગસ્ટ, શ્રાવણ સુદ એકમ, ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ જિલ્લાના વિવિધ શિવાલયો તથા નર્મદા નદીના કિનારે આવેલા મંદિરો અને આશ્રામોમાં શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડયા હતા.

એક પુષ્પમ્, એક બિલીપત્ર, એક લોટા જલ કી ધાર, દયાલુ રીઝ કે દેત હૈં ચંદ્રમોલિ ફ્લ ચાર - આ પંક્તિ મુજબ ભગવાન ભોળાનાથને એક પુષ્પ, એક બિલીપત્ર અને એક લોટા જળ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને ચાર ફ્ળનું આશીર્વાદરૂપે વરદાન આપે છે તેવી ધાર્મિક માન્યતા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઉપવાસ તથા શ્રાવણ માસના વ્રત કરે છે. અનેક ભક્તો અને ભૂદેવો દ્વારા માટીના શિવલિંગ બનાવી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે, જેને પાર્થેશ્વર શિવલિંગ તરીકે ઓળખવામાં આવે છે. દરરોજ પાર્થેશ્વર શિવલિંગ બનાવી તેની પૂજા કરવાનો પણ ધાર્મિક મહિમા છે.

શિવભક્તો ભગવાન ચંદ્રશેખર અને પિનાકીનને બિલીપત્ર, પુષ્પો, કમળ કાકડી, અબીલ-ગુલાલ, કંકુ, નાળિયેર, અક્ષત, ચંદન, નાગરવેલનાં પાન, કમળ કાકડી, પુષ્પો અને ધતુરાના ફૂલ તથા સુગંધી દ્રવ્યો અર્પણ કરી જળના કળશ સાથે મંગળ થાળી દ્વારા પૂજા-અર્ચના કરી રહ્યા છે.

નર્મદા જિલ્લાના નર્મદા કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવ મંદિર, ગરુડેશ્વર દત્ત મંદિર, રામપુરા રણછોડરાય મંદિર, મણિનાગેશ્વર મહાદેવ મંદિર, રામાનંદ આશ્રામ, નાની-મોટી પનોતી, કરનાળી કુબેર ભંડારી મંદિર, પોઇચા નીલકંઠ ધામ, ચાંદોદના વિવિધ મંદિરો, શુકદેવજી મંદિર, વ્યાસ બેટ ખાતેઆવેલા વ્યાસેશ્વર મહાદેવ મંદિર, ગંગાનાથ તથા મૃત્યુંજય આશ્રામ સહિતના ધાર્મિક સ્થળોએ શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો