નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવા 80મા સ્વાતંર્ત્ય દિવસ નિમિત્તે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાંથી પસંદ કરાયેલી ચાર વિશિષ્ટ મહિલાઓમાં ઉષાબેન વસાવાનો સમાવેશ થતાં નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ માટે આ ગૌરવની ક્ષણ બની છે.ઉષાબેન વસાવા સ્વાતંર્ત્ય દિવસના સમારોહમાં ભાગ લેવા માટે 14 ઓગસ્ટે નવી દિલ્હી રવાના થયા હતા. વર્ષ 2022માં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રતિષ્ઠિત નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને શ્રોષ્ઠ મહિલા ખેડૂત તરીકેનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.ઉષાબેન વસાવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવન તરફ્થી મળેલું આ વિશેષ આમંત્રણ તેમના સામાજિક અને કૃષિ ક્ષેત્રે કરાયેલા કાર્યની રાષ્ટ્રીય સ્તરે થયેલી ઓળખ છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે આ સન્માન તેમને મહિલા સશક્તિકરણ, બાળકો અને આદિવાસી સમાજની મહિલાઓને આગળ લાવવા, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ્ પ્રેરિત કરવા તેમજ મહિલાઓને જમીન માલિકી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડવા માટે વધુ કાર્ય કરવાની પ્રેરણા આપે છે.

ઉષાબેન પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમના આ સ્વરૂપે આદિવાસી સમાજમાં પણ ગૌરવની લાગણી જોવા મળી હતી. તેઓ આગામી સમયમાં અન્ય બહેનોને પણ તૈયાર કરી રાષ્ટ્રીય સ્તરે આગળ વધારવાના પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું.