નર્મદા જિલ્લામાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓનું સુદ્રઢ સંચાલન થાય અને ગ્રામજનોને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે હેતુથી પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી પાણીવેરા વસુલાત પ્રોત્સાહન યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મંડળીઓ અને સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (વાસ્મો) દ્વારા યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2023-24માં 0થી 30 ટકા પાણીવેરા વસુલાત ધરાવતી 48 ગ્રામ પંચાયતો પૈકી 19 ગ્રામ પંચાયતોએ વર્ષ 2024-25માં 50 ટકાથી વધુ વસુલાત હાંસલ કરી છે.ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામના પ્રગતિ મિશન મંગલ સ્વ-સહાય જૂથને રૂ.30,000ની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.તે જ રીતે દેડિયાપાડા તાલુકાની બોડોરાત કો.ઓપ. મલ્ટીપર્પઝ સોસાયટી લી. (બોરીપીઠા), ધ્રોહદા ગૃપ કો.ઓ. મલ્ટીપર્પઝ સોસાયટી લી. ના પ્રમુખ ચંપકભાઈ વસાવા તથા ધનવ જાગૃતિ ખેડૂત સેવા સહકારી મંડળી લી. (કણજી)ને પણ રૂ.30,000ની પ્રોત્સાહક રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.