ભારતના વિકાસમાં કૃષિ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. પરંતુ દેશના અનેક ડુંગરાળ, જંગલ અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ ખેતી વરસાદની અનિશ્ચિતતા, વીજળીના મર્યાદિત પુરવઠા અને ડીઝલ આધારિત સિંચાઈ પર નિર્ભર રહી છે. પરિણામે ખેડૂતોની આવક મર્યાદિત રહેતી, ઉત્પાદન ક્ષમતા ઓછી રહેતી અને રોજગારી માટે મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવું પડતું હતું.

નર્મદા જિલ્લાના કુલ 2.81 લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર પૈકી 1,05,800 હેક્ટર વિસ્તાર તો ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો છે. ખાસ કરીને દેડિયાપાડા-સાગબારા તાલુકામાં વર્ષો સુધી ખેડૂતો માત્ર ચોમાસુ સિઝનમાં વરસાદ પર નિર્ભર રહી ખેતી કરતા હતા. કૃષિ માટે વીજળીના નેટવર્કનો અભાવ અને ઇકો-સેન્સિટિવ વિસ્તાર હોવાના કારણે નવા વીજ પુરવઠા માળખાના વિકાસ પર પણ મર્યાદાઓ હતી. ઘણા ખેડૂતો ડીઝલ પંપનો ઉપયોગ કરતા, પરંતુ ડીઝલનો વધતો ખર્ચ, જાળવણી અને દૂરના વિસ્તારોમાંથી ઈંધણ લાવવાની મુશ્કેલીઓ ખેતીને ખર્ચાળ બનાવતી હતી.

દરમિયાન નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડૂતો માટે રૂા. 618.41 કરોડના ખર્ચે 14,989 ઓફ્-ગ્રીડ સોલાર પંપની ફાળવણી કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં PM-KUSUM-B હેઠળ ઓફ્-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર પંપ ખેડૂતો માટે જીવન બદલનારી સુવિધા બની. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવી પડતી નથી કે ડીઝલ માટે શહેર સુધી જવું પડતું નથી. સૂર્યપ્રકાશના આધારે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બની છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 22,792 સોલાર કૃષિ પંપની મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી 22,787 લાભાર્થીઓને સોલાર પંપનો લાભ મળી ચૂક્યો છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળીને રૂપિયા 620 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. PM-KUSUM યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 14,989 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેનાથી હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો