નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આરોગ્ય વન નજીક શનિવારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તે અગાઉ આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા અને અહી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ખાતે 31 ઓક્ટોબરે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં નક્સલ મુક્ત ભારતની થીમ પર આધારિત ડોક્યુમેન્ટરી શૈલીની નાટયપ્રસ્તુતિ મુખ્ય આકર્ષણ બનશે. આ પ્રસ્તુતિમાં દેશના નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી આવેલા 2,000થી વધુ કલાકારો ભાગ લઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કલાકારોમાં કેટલાક એવા પણ છે કે જેઓ આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. આજે સાંજે સંગીતના તાલે સમૂહ નૃત્ય અને વિવિધ પ્રસ્તુતિઓની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ રિહર્સલમાં માત્ર નાટયકલા જ નહીં, પરંતુ વર્ષો સુધી હિંસા અને સંઘર્ષનો સામનો કરનારા લોકોના જીવનમાં આવેલા પરિવર્તનની ઝલક પણ જોવા મળી રહી છે. આ પ્રસ્તુતિમાં ભાગ લેનારા મોટાભાગના કલાકારો છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી આવ્યા છે આમાંથી કેટલાક કલાકારો એવા પણ છે, જેમણે ભૂતકાળમાં નક્સલવાદી સંગઠનો સાથે જોડાણ ધરાવ્યું હતું, પરંતુ હવે મુખ્યધારાના સમાજ સાથે જોડાઈને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે નક્સલ મુક્ત ભારત નામની આ ડોક્યુ-પ્લેની કલ્પના, લેખન અને દિગ્દર્શન નેશનલ સ્કૂલ ઓફ્ ડ્રામા (NSD)ના બેંગલુરુ કેન્દ્રના ડિરેક્ટર ચિત્તરંજન ત્રિપાઠીએ કર્યું છે. અને આ પ્રસ્તુતિ માટે 90 ટકાથી વધુ કલાકારો નક્સલવાદથી પ્રભાવિત જિલ્લાઓમાંથી પસંદ કરાવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો