ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી, એકતાનગર ખાતે તા. 1થી 15 નવેમ્બર, 2026 દરમિયાન ભારત પર્વ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતા આ મહોત્સવને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 1થી 3 નવેમ્બર દરમિયાન પ્રથમ ત્રણ દિવસમાં જ 25 હજારથી વધુ પ્રવાસીઓએ ભારત પર્વની મુલાકાત લીધી છે. આ મહોત્સવ પ્રવાસીઓને એક જ સ્થળે દેશના વિવિધ રાજ્યોનાં પ્રવાસન સ્થળો, પરંપરાઓ, વાનગીઓ અને સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરવાની તક પૂરી પાડી રહ્યો છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસન પેવેલિયનમાં તેમના વિશિષ્ટ પ્રવાસન સ્થળો, પરંપરાગત કલા, હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઓડિશાની સંબલપુરી સાડીઓ, પટ્ટચિત્ર ચિત્રકલા, એપ્લિક વર્ક અને સિલ્વર ફિલિગ્રી; આસામની મુગા સિલ્ક અને મેખેલા-ચાદર; બિહારની મધુબની ચિત્રકલા, ભાગલપુરી સિલ્ક અને સિક્કી ઘાસની કલા; મધ્યપ્રદેશની ચંદેરી અને મહેશ્વરી સાડીઓ તથા ગોંડ આર્ટ; જમ્મુ-કાશ્મીરની પશ્મિના અને કની શાલ તેમજ તેલંગાણા અને આંધ્રપ્રદેશની પોચમપલ્લી ઇકત સાડીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાત દ્વારા પણ તેની પ્રસિદ્ધ પટોળા કલા, પીઠોરા ચિત્રકલા અને અજરખ હેન્ડીક્રાફ્ટ નું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત છત્તીસગઢની વાંસની કળાકૃતિઓ અને અંદમાન-નિકોબાર ટાપુઓની શંખકલા પણ પ્રવાસીઓને આકર્ષી રહી છે. ભારત પર્વનું અન્ય એક મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યોના 25 ફૂડ સ્ટોલ્સ છે, આ ઉપરાંત,IIHM શિમલા અને IIHM ગાંધીનગર દ્વારા સંચાલિત સ્ટુડિયો કિચનમાં દરરોજ ભારતની વિવિધ પ્રાદેશિક વાનગીઓની લાઇવ કુકિંગ ડેમોનું આયોજન કરવામાં આવે છે. મહોત્સવના ભાગરૂપે દરરોજ સાંજે વિવિધ રાજ્યોનાકલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. જેમાં દેશના વિવિધ પ્રદેશોના લોકસંગીત, પરંપરાગત નૃત્યો અને લોકકળાની મનમોહક પ્રસ્તુતિઓ પ્રવાસીઓને ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો અનોખો અનુભવ કરાવી રહી છે.
