દેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે કુલ 5 આરોપીને ઝડપી પાડી 5 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. દેડિયાપાડા પોલીસે બાતમીને આધારે સાગબારાના સેલંબા ખાતે ભંગારનો વ્યવસાય કરતા રહીમ કરીમ પિંજારીની દુકાનમાં તપાસ કરી હતી. જેમાં તેની પાસેથી ચોરીની 3 હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક મળી હતી. જે અંગે વધુ તપાસ કરતાં દીપક મહેન્દ્ર વસાવા અને પાયલ કિશન વસાવા (બંને રહે. વડગામ, તા. ઉમરપાડા, જી. સુરત)એ ચીકદા તાલુકાના રેલવા તથા મોટી જામની ગામ અને ઉમરપાડા તાલુકાના મોટા ચકરા ગામેથી બાઇક ચોરી કરી વેચાણ કર્યાની કબૂલાત કરી હતી. સંડોવાયેલ આરોપી સાહુલ આનંદ વસાવા, નિર્મલ વિકાસ વસાવા અને અમિત વિલાસ વસાવાએ દાભવણ, ઉમરપાડાના નાની હલદરી ગામેથી બાઇક ચોરી કરી સેલંબા ખાતે ફારુક યુનુસ મકરાણીને વેચાણ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ફારુકના મકાન પાસેથી ચોરીની વધુ 2 બાઇક મળી હતી. આમ, દેડિયાપાડા પોલીસે કુલ 5 આરોપી ઝડપીને રૂા.1.05 લાખની પાંચ ચોરીની બાઇક કબજે કરી કુલ વાહન ચોરીના 5 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો